નવસારી: કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. મહામારીને ધ્યાને લેતા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટની હાઈપાવર કમિટી દ્વારા ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા અને ગંભીર ગુનાઓ સિવાયના, 7 વર્ષથી ઓછી સજા અને એકથી વધુ ગુના ન હોય તેવા કાચા અને પાકા કામના અંદાજે 1500 કેદીઓને છોડવાનો નિર્ણય કરાયો હતો. જેમાં નવસારી જિલ્લા સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે પણ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા મેજીસ્ટ્રેટને દરખ્વાસ્ત મોકલવામાં આવી હતી.
કોરોના ઈફેક્ટ: નવસારી સબ જેલના 27 કેદીઓને જામીન પર છોડાયા - નવસારી ન્યુઝ
ભારતમાં કોરોનાની મહામારીમાં સમગ્ર દેશ લોકડાઉન છે, ત્યારે નવસારી જિલ્લા સબ જેલમાંથી સોમવારે 7 વર્ષથી ઓછી સજાના ગુનાના કુલ 27 કેદીઓને જિલ્લા મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિમાં વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
આ તમામમાંથી જિલ્લા લીગલ સેલ દ્વારા આવેલી કાચા કામના કેદીઓની દરખાસ્તને ધ્યાને લઇ 7 વર્ષથી ઓછી સજાના ગુનાઓ જેવા કે વિદેશી દારૂની હેરાફેરી, ચોરી, મારપીટ વગેરેના 27 આરોપીઓને વચગાળાના જામીન પર છોડવા તારવવામાં આવ્યા હતા. જેને આધારે જિલ્લા મુખ્ય ન્યાયાધીશે તમામ આરોપીઓને વચગાળાના જામીન પર છોડવાનો આદેશ કરતા સોમવારે તમામ કેદીઓને નવસારી સબ જેલમાંથી છોડવામાં આવ્યા હતા.
આ તકે જેલમાંથી મુક્ત કરવા પૂર્વે તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક રાશન કીટ પણ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે જેલ તંત્ર દ્વારા 16 પાકા કામના કેદીઓ માટે પણ દરખ્વાસ્ત કરી છે. જેમનો ઓર્ડર પણ એક-બે દિવસમાં આવવાની સંભાવના સેવાઈ રહી છે.