- કોરોનાના કેસ ઘટવાની બદલે વધી રહ્યા છે
- જિલ્લામાં કુલ 110 એક્ટિવ કેસો થયા
- દાંડીયાત્રા અંતિમ ચરણમાં હોવાથી તંત્ર ભીડ ભેગી કરવામાં એક્ટિવ
નવસારી : કોરોનાને એક વર્ષ પૂર્ણ થયુ છે અને કોરોનાની રસી પણ શોધાઈ છે. પરંતુ કોરોનાના કેસો ઘટવાને બદલે ડબલ ગતિથી વધી રહ્યા છે. ગત માર્ચમાં જ નવસારીમાં કોરોનાના કેસો શરૂ થાય અને એપ્રિલના આરંભે જ કોરોનાએ સદી ફટકારી દીધી છે. નવસારી જિલ્લામાં આજે 4 વિદ્યાર્થીઓ સહિત નવા 20 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની સાથે જ જિલ્લામાં કુલ 110 એક્ટિવ કેસો થયા છે. જોકે, આજે 5 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને રજા અપાઈ હતી.
આ પણ વાંચો : નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
1,561 લોકો વર્ષ દરમિયાન કોરોનાને હરાવી ચુક્યા
જિલ્લામાં કોરોનાના કુલ 1,773 કેસો નોંધાયા હતા. જ્યારે 1,561 લોકો વર્ષ દરમિયાન કોરોનાને હરાવી ચુક્યા છે. જિલ્લામાં કોરોનાને કારણે 102 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાલિકાએ શહેરના વોર્ડ અનુસાર રસીકરણ અભિયાન પણ છેડાયુ છે. પરંતુ કોરોના રસી મુદ્દે લોકોમાં ઉદ્દભવતી દરેક સમસ્યાઓનું સમાધાન પણ વિચારવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : નવસારી: કામ વગર બહાર નીકળનારા સામે હવે ડ્રોનથી રખાશે નજર, જિલ્લામાં જાહેરનામા ભંગના 65 કેસ
તંત્ર દાંડીયાત્રમાં ભીડ ભેગી કરવામાં એક્ટિવ
નવસારી જિલ્લામાં ગત મહિનાથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત ત્રણ દિવસના આંકડાઓ ઉપર નજર કરીએ તો શુક્રવારે 18, શનિવારે 16 અને આજે રવિવારે 20 મળી કુલ 54 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પરંતુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં દાંડીયાત્રા અંતિમ ચરણમાં હોવાથી તંત્ર કોરોનાને ભુલી યાત્રામાં ભીડ ભેગી કરવામાં એક્ટિવ દેખાઈ રહ્યુ છે. જેમાં પણ આજે યાત્રાનું સ્વાગત કરવા નવસારી વિજલપોર અને જલાલપોરની શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગત દિવસો અને આજ મળીને કુલ 17થી વધુ વિદ્યાર્થીઓ અને 7થી વધુ શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.