ન્યૂઝ ડેસ્કઃ કોરોનાને કારણે રાજ્યમાં તમામ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે જેમ જેમ અનલૉક આગળ વધી રહ્યું છે તેમ-તેમ રાજ્ય સરકાર પ્રવાસન સ્થળો પર લગાવેલા પ્રતિબંધ હટાવી રહી છે. તેવામાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે, રાજ્ય સરકારે 17 ઓક્ટોબરથી ફરી એક વાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે. કારણ કે મોટા ભાગના પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા તલપાપડ થઈ રહ્યા છે.
પ્રવાસીઓ આનંદોઃ 17 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી ખુલશે - સ્ટેચ્યૂ ઓફ યુનિટી
કોરોનાને છેલ્લા ઘણા સમયથી બંધ રહેલું પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે 17 ઓક્ટોબરથી ફરી ખુલ્લુ મૂકાશે. રાજ્ય સરકારે એક પછી એક તમામ પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ હટાવી દીધા છે. જોકે, સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ફરીથી ખોલવાનો વિચાર કરતા પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે. પ્રવાસીઓએ ફરજિયાતપણે ઓનલાઈન ટિકિટ લઈને જવું પડશે.
સરકારે કેવડિયા ખાતે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા મોલ વગેરે જેવા સ્થળો અગાઉથી ખુલ્લા મૂકી દીધા હતા. જોકે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને નિહાળવા માટેે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે સરકારે નવરાત્રિના પહેલા જ દિવસથી એટલે કે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવાનો નિર્ણય કર્યો છે. અહીં આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ તમામ પ્રકારની કાળજી રાખવામાં આવશે. કોવિડ-19ની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અંગેની તમામ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરવી પડશે.
આ સાથે પ્રવાસીઓની સંખ્યા પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. હાલમાં દરરોજ 2500 પ્રવાસીઓની મર્યાદા સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું મૂકાશે. આમાંથી માત્ર 500 પ્રવાસીઓને વ્યુઈંગ ગેલરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટેની ટિકિટો દર બે કલાકના સ્લોટમાં વેબસાઈટ પરથી ઓનલાઈન મળી શકશે. પ્રવાસીઓએ ઓનલાઈન જ ટિકિટ લેવી પડશે. સ્થળ પર રૂબરૂ ટિકિટ ઉપલબ્ધ નહીં થાય. અહીં આવનારા તમામ પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે બસોની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.