ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોર બેદરકારીઃ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી - રાજપીપળામાં બેદરકારી

કોરોના દર્દીને જો સારવાર આપવામાં જરાક પણ ચૂક થાય અથવા સમય બગડે તો ગંભીર પરિણામ આવવાની પૂરેપુરી સંભાવનાઓ રહેલી છે. એવામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ એક મહિલા દર્દીને સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી હોવાની એક ઘટના સામે આવી છે. આ અગાઉ રાજપીપળા કોવિડ હોસ્પિટલની સારવાર બાબતે તબીબો પર ઘણા આક્ષેપો લાગ્યા હતા.

Narmada News
Narmada News

By

Published : Sep 7, 2020, 1:05 PM IST

નર્મદાઃ રાજપીપળામાં 6/9/2020 ના રોજ પરિણીત મહિલા ભાવનાબેન સોલંકી અને એમનો પુત્ર રેપીડ એન્ટીજન ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ આવતા બંન્નેને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. મહિલા દર્દી પોતાના પુત્ર સાથે 2 કલાકે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી, ત્યાંથી 3 કલાકે બંન્નેને અલગ અલગ વોર્ડમાં દાખલ કરાયા હતા. એ પૈકી મહિલા દર્દીને આઈસોલેશન વોર્ડ-2 માં દાખલ કરવામાં આવી હતી.

મહિલાને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, જે સમયે મને દાખલ કરાઈ, ત્યારે પણ ખુબ તાવ હતો. એ બાદ તાવ આવે અને ઉતરી જાય એવી સ્થિતિ વચ્ચે પણ હોસ્પિટલના સ્ટાફ તરફથી કોઈ પણ જાતની ગોળી કે અન્ય દવા આપવામાં આવી ન હતી. મેં આ બાબતે ફરિયાદ કરી પણ કોઈએ મારી ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં. છેવટે રાત્રે 10:30 કલાકના અરસમાં દાખલ થયાના 8 કલાક બાદ ગોળી અને અન્ય દવાઓ આપી મારી સારવાર ચાલુ કરાઈ હતી. મારા જ વોર્ડમાં મારી પછી આવેલા દર્દીઓની સારવાર તુરંત ચાલુ કરી દેવામાં આવી હતી.

આ બાબતે નર્મદા જિલ્લા CDMO અને રાજપીપળા કોવિડ હોસ્પિટલના હેડ ડૉકટર જ્યોતિ ગુપ્તાએ ઇ ટીવી ભારત સાથેની વાતમાં જણાવ્યું હતું કે, શિફ્ટ બદલાઈ ગઈ છે એટલે કેમ આવું થયું હશે એ હું તપાસ કરીશ. કોરોના દર્દી દાખલ થાય ત્યારે એને શિડયુલ મુજબ દવા-ગોળી આપી તુરંત સારવાર ચાલુ થવી જ જોઈએ, સારવારમાં કેમ ચૂક થઈ એ હું તપાસ કરીશ. જ્યારે નર્મદા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, એ મહિલા દર્દીને પેરાસીટમોલ સહિત અન્ય દવાઓ અપાઈ ગઈ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, કોરોના દર્દીઓની સારવાર મામલે રાજપીપળા કોવિડ હોસ્પિટલના અમુક તબીબો વિરુદ્ધ અનેક સવાલો ઉભા થયા હતા. એ જ કારણોસર મોટે ભાગના કોરોના દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર અર્થે જવાનું પસંદ કરતાં હતાં. કોરોના દર્દી માટે એક-એક મિનિટ કિંમતી હોય છે, ત્યારે જ્યારે દર્દીને સારવાર માટે 8-8 કલાક સુધી રાહ જોવી પડે એનાથી વધારે બેદરકારી બીજી કોઈ જ ન કહી શકાય. આ ઘટના બાદ નર્મદા જિલ્લા કલેકટર જવાબદારો સામે કડક પગલાં લે છે કે કેમ એ જોવું રહ્યું…

ABOUT THE AUTHOR

...view details