- વડાપ્રધાન મોદીએ રવિવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 નવી ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવી
- ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિના મિશન અને સરદાર પટેલનું એકતા-અખંડિતાના વિઝન સાકાર
- કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બન્યું
નર્મદા :દેશની ચારેય દિશાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ્વેના માધ્યમથી જોડવા માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી 8 ટ્રેનને લીલી ઝંડી તથા રેલવેના વિવિધ નવીન પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, કેવડિયા અને પુણ્યસલાલી મા નર્મદાનો વિસ્તાર પ્રવાસીઓ તથા આદ્યાત્મિક ખોજકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં માં નર્મદાના કિનારે અલૌકિક આદ્યાત્મિક ઊર્જાનો અહેસાસ થાય છે. હું પણ અનેક વખત અહીં આવતો રહ્યો છું. પહેલા અહીં નેરોગેઝ ટ્રેઇનમાં બેસીને આવતો હતો. એ ટ્રેનની સ્પીડ એટલી હતી કે, તમે એની સાથે ચાલી પણ શકો. રસ્તામાં કોઇ પણ સ્થળે તમે ચાલુ ટ્રેનમાંથી ઉતરી શકો કે, બેસી શકો એવી ગતિથી ટ્રેન ચાલતી હતી.
ભારતીય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં પરિવર્તન આવ્યું છે, કેવડિયા તેનો ઉત્તમ નમૂનો છે
- વડાપ્રધાન
આઝાદીના ઘણા દશકો સુધી રેલવેમાં ટેક્નોલોજીના અમલીકરણનો અભાવ તથા નૂતન સંશોધનને લાગુ કરવામાં ન આવતા રેલવેમાં કોઇ જ પરિવર્તન આવ્યું નહીં. તેમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, રવિવારે ભારતીય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેનું ઉત્તમ ઉદાહરણ કેવડિયાનો આ રેલવે પ્રોજેક્ટ છે. જે અનેક વિડંમણાઓ વચ્ચે પણ માત્ર 20 જ માસના ટૂંકાગાળામાં પરિપૂર્ણ કર્યો છે. જેના કારણે આદિવાસી ક્ષેત્ર એવા કેવડિયાનો કાયાકલ્પ થયો છે.
સરદાર પટેલના એકતા-અખંડિતાના વિઝન અને ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિનું મિશન કેવડિયામાં સાકાર
- વડાપ્રધાન
કેવડિયાને દેશના વિવિધ ક્ષેત્રો સાથે રેલવે કનેક્ટિવિટીથી જોડવામાં આવતા પ્રવાસીઓને અહીં આવવામાં સુગમતા રહે છે. વિવિધ રાજ્યો અને ભિન્નભિન્ન ભાષા, વેશ ધરાવતા લોકો અહીં આવતા લઘુ ભારતનું દ્રષ્ટ સર્જાશે અને સરદાર પટેલનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે. દેશની એકતા અને અખંડિતતાને નિરંતર રાખવાના પ્રયાસોનો આ નવો આધ્યાય કેવડિયાથી શરૂ થયો છે, એવો દ્રઢ વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે
- વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયાના સર્વાંગી વિકાસ માટે મે જ્યારે મારી મહેચ્છાઓની વાત કરતો ત્યારે કેટલાક લોકો તેને અશક્ય ગણાવતા હતા. તે તેમના જૂના અનુભવોને આધારે આ વાતને અવગણી નાખતા હતા, પણ આયોજનબદ્ધ રીતે પર્યાવરણના રક્ષણ સાથે ઇકોનોજી અને ઇકોલોજીના વિકાસ થકી કેવડિયાની વિકાસયાત્રાને આગળ વધારી વિશ્વનું સર્વશ્રેષ્ઠ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 50 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લઇ ચૂક્યા છે. તે સંખ્યા અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી પણ વધુ છે. એક સર્વે પ્રમાણે કેવડિયા રેલવે કનેક્ટિવિટીથી જોડાતા આ સ્થળે રોજના એક લાખ પ્રવાસીઓ મુલાકાત લે એવી સંભાવના પણ રહેલી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી બેસ્ટ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કેમ છે?
વડાપ્રધાને જણાવ્યું કે, અહીં સેંકડો એકરમાં ફેલાયેલો સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક, જંગલ સફારી પાર્ક, આયુર્વેદ અને યોગ પર આધારિત આરોગ્ય વન, પોષણ પાર્ક, રાત્રે ઝગમગતો ગ્લોવ ગાર્ડન, દિવસે નિહાળી શકાય એવો ક્રેક્ટસ અને પતંગિયા પાર્ક, સહેલાણીઓ માટે એકતા ક્રૂઝ અને નવલોહિયા યુવાનો માટે રિવર રાફ્ટિંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહી તો કેવડિયા બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓ માટે હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે.
કેવડિયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે
કેવડિયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે. જેના પરિણામે સ્થાનિક યુવા-યુવતિઓ ગાઇડ, કાફે ઓનર, ઝૂ કિપર સહિતની સ્થાનિક કક્ષાએ જ નોકરી કરતા થયા છે. એટલું જ નહીં એકતા મોલ થકી સ્થાનિક મહિલાઓની પરંપરાગતા હસ્તકલાને પણ વેચાણનું કેન્દ્ર મળ્યું છે. જેના કારણે આદિવાસી કલાને વિશ્વભરમાં ઉજાગર થઇ છે. અહીંના 200 ઘરોમાં પ્રવાસીઓ માટે હોમ સ્ટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે રોજગારીના વધુ અવસરો ઉભા થશે. વળી, કેવડિયા રેલવે કનેક્ટિવિટીથી જોડાતા તેમાં પણ વૃદ્ધિ થશે, તેવો આશાવાદ પણ મોદીએ વ્યક્ત કર્યો હતો.
આગામી સમયમાં હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ - વડાપ્રધાન
રેલવેના પૂરા તંત્રમાં વ્યાપક બદલાવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, નવા નવપ્રવર્તક વિચારોના આધારે રેલવેના અનેક ક્ષેત્રોમાં એક સાથે કામગીરી થઇ રહી છે. તેમાં રેલવેના નવા કોચ, નવી લાઇન, જૂની લાઇનોનું આધુનિકીકરણ, ગેઝપરિવર્તન, રેલવે પૂલોનું નિર્માણ અને સિગ્નલિંગ સહિતની બાબતોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે નવા પ્રકલ્પોના અમલીકરણમાં ગતિ આવી છે. આ ઉપરાંત રેલવે પ્રોજેક્ટ પર્યાવરણરક્ષક બને, તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલવેમાં ઉત્પાદન અને સંશોધન માટે આત્મનિર્ભરતા ૫ર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે દેશમાં સેમી હાઇસ્પીડ ટ્રેન શરૂ થઇ ગઇ છે. આગામી સમયમાં હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ.
1100 રેલવે ટ્રેકનું કામ પૂર્ણતાના આરે
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું ઉદાહરણ આપતા મોદીએ જણાવ્યું કે, વર્ષ 2006થી 2014 સુધીના સમયગાળામાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ દોડતો હતો અને એક કિલોમિટરના રેલવે ટ્રેકનું કામ થયું ન હતું. રવિવારે અમારા દ્રષ્ટિવંત આયોજનને પરિણામે 1100 રેલવે ટ્રેકનું કામ પૂર્ણતાના આરે છે.
રેલ યુનિવર્સિટી વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં છે
ભારતીય રેલના વિકાસ માટે અમે સતત નવા વિચારો, સંશોધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, રેલ ટ્રાન્સપોર્ટ, સંશોધન અને તાલીમ સહિતની આધુનિક સવલતો માટે વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ યુનિર્વસિટી કાર્યરત કરી દેવામાં આવી રહ્યા છે. તેમાં 20 રાજ્યના અનેક યુવાનો તાલીમ લઇ રહ્યા છે. તેમના દ્વારા થતા નવા સંશોધનો થકી ભારતીય રેલવેના પ્રગતિના ટ્રેકને વધુ ગતિ આપશે. આવી રેલ યુનિવર્સિટી વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં છે.
કેવડિયા રેલવે સ્ટેશનના નવીન ઇમારતોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતમાં ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, પ્રતાપનગર-કેવડિયા નવા વિદ્યુતિકરણ રેલવે તથા ડભોઇ જંકશન, ચાંદોદ અને કેવડિયા રેલવે સ્ટેશનના નવીન ઇમારતોનું લોકાર્પણ કર્યું હતું.
8 નવી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું