- સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિની ઉજવણી
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરાઈ
- ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
- SSB ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું
અમદાવાદઃ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની 146 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સશસ્ત્ર સીમા બલ (SSB) ના સૈનિકોએ વુશુ માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં 21 જવાનોએ ભાગ લીધો હતો, જેમાં છ મહિલાઓ અને 15 પુરૂષો સામેલ હતા.
આ પણ વાંચો: જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા હતા તબીબી સહાય
ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં: અમિત શાહ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 'આઝાદી પછી અંગ્રેજોએ જતા જતા ભારત, પાકિસ્તાન અને 550 થી વધુ રજવાડાઓને અલગ કરીને દેશના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું. તે યોજનાને નિષ્ફળ કરીને સરદાર વલ્લભભાઈ (Sardar Patel) એ અખંડ ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો. અમિત શાહે વધુમાં કહ્યું કે, સરદાર પટેલે આપેલી પ્રેરણાએ આજે દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. આજે તેમની પ્રેરણા આપણને દેશને આગળ લઈ જવામાં, એકજૂથ રાખવામાં સફળ રહી છે. કેવડિયા કોઈ જગ્યાનું નામ નથી, તે યાત્રાધામ બની ગયું છે. રાષ્ટ્રની એકતાનું તીર્થસ્થાન, દેશભક્તિનું તીર્થસ્થાન અને આજે આ આકાશને સ્પર્શતી સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વને સંદેશ આપી રહી છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભારતની એકતા અને અખંડિતતાને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.
અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'આજે રાષ્ટ્રીય એકતા (National Unity) ના પ્રતિક એવા કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા અમિત શાહે ટ્વીટ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે લખ્યું હતું કે, 'સરદાર પટેલનું જીવન આપણને શિખવે છે કે કેવી રીતે એક વ્યક્તિ તેમની મજબૂત ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એકતામાં પરિવર્તિત કરી શકે છે અને એક રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. દેશના એકીકરણની સાથે સાથે સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, વફાદારી, સંઘર્ષ અને બલિદાન દરેક ભારતીયને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ અને તમામ દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની શુભેચ્છાઓ.