નર્મદાઃ વડોદરાના નવાપુરા રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા ચંદુભાઈ પરમાર અને પોતાનો એક 9 વર્ષનો દિકરો અને 7 વર્ષની દિકરી સાથે કાર નંબર GJ-06 KP-7204માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યાં હતાં. જે બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગાયબ, પોલીસે શોધખોળ શરૂ કરી - કેવડિયા
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાનો પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. જે દરમિયાન આખો પરિવાર જ ગાયબ થઈ ગયો હતો. જે કારણે તેમના અન્ય પરિવારજનો કેવડિયા પહોંચી પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલો વડોદરાનો પરિવાર ગાયબ
જો કે, લાંબો સમય વિત્યા બાદ પણ તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરી હતી. તેમના પરિવારજનો કેવડિયા આવી એમના ગુમ થયાની જાણવા જોગ અરજી કેવડિયા પોલીસ મથકમાં આપી હતી.
કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીના CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે 7.30 કલાકે ત્યાંથી પરત જતા નજરે ચઢે છે. આ બાદ તેઓ ક્યાં ગયા એ મામલે હાલ એમના મોબાઈલ લોકેશન પરથી કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે.