જેલમાં બંધ ચૈતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની મુલાકાત રાજપીપલા:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે રાજપીપળા જેલમાં ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. ચૈતર વસાવા પત્ની વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી.
'હું આજે જેલમાં ચૈતર વસાવાને મળ્યો છું. એમના ખબર અંતર પૂછ્યા છે. શકુંતલાબેનને પણ હું મળ્યો છું. બંને સ્વસ્થ છે. બંનેના હોસલા બુલંદ છે. જેલમાં રહીને પણ લડીશું સંઘર્ષ કરીશું. ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનો છે. ચૈતર વસાવા આદિવાસીઓ જનતા માટે લડે છે. આવા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દે છે. કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે કે ભરૂચની લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા લડશે. સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળે તે માટેના અમારા પુરા પ્રયાસો હશે. - અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી
તાનાશાહી વધુ સમય નહીં ચાલે - ભગવંત માન:
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે, લોકપ્રિય હોય એને ભાજપ ઉખાડીને ફેંકી દે છે. કોઈને ઈડીમાં ફસાવે છે તો કોઈને સીબીઆઈનો ચાર્જ કરાવે છે. આ તાનાશાહી વધુ સમય નહીં ચાલશે. ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો એ હતો કે અમારી વહુબેટીઓને પણ ભાજપની સરકાર જેલમાં પૂરી દે છે એ શરમજનક છે. ચૈતર વસાવા લોકો માટે લડશે અને જીતશે.
'ગુજરાતમાં પહેલો બનાવ છે કે કોઈ જેલમાં ધારાસભ્યને મળવા બબ્બે મુખ્યમંત્રીઓ આવે. આ આદિવાસી સમાજ માટે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે બહુ ગર્વની વાત કહી શકાય. ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી આદિવાસી સમાજ માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે.' - ગોપાલ ઇટાલીયા, આપ નેતા
ચૈતર વસાવાએ માન્યો આભાર:આજે ચૈતર વસાવા પરિવારમાંથી પત્ની વર્ષા વસાવા તથા તેમનો પરિવાર આજે રાજપીપલા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં ચૈતર વસાવાને મળવા ગયો હતો. વર્ષા બેને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીના બંને મુખ્યમંત્રી ચૈતર વસાવા અને શકુંતલાબેનને મળ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા ઉમેદવારના બેઠક તરીકે ચૈતર વસાવાની જાહેરાત કરી એ વાતથી તેઓએ ખુશી વ્યક્ત કરી. જેલમાં હોવા છતાં આદિવાસી સમાજના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
'ચૈતર વસાવા કે ગમે એ આવે, અમે છ ટર્મથી જીતતા આવ્યા છે અને જીતીશું. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, આપવાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું પણ એવું નહિ ચાલે. લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાવશે નહિ.' - મનસુખ વસાવા, ભરૂચ, સાંસદ
- Kejariwal In Gujarat: 'ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે' - કેજરીવાલ
- Bilkis Bano Case : બિલકિસ બાનો કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય બન્યો "ટોક ઓફ ધ ટાઉન"