કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં માઉલી માતાનું મહાત્મય વર્ષોથી જોવા મળે છે. ત્યાંંના રહીશોમાં માતાના ચમત્કારની કેટલીક લોકકથાઓ જાણીતી છે. તેઓ એવું માને છે કે, માઉલી માતાના મંદિરે દૂધનીના ચોરવેડા પહાડ પર 1968માં એક ખ્રિસ્તી ફાધરને મધર મરીયમના અનેક ચમત્કારિક પરચા મળ્યા હતાં. જેથી તેમણે અહીં પ્રતિમા સ્થાપિત કરી હતી. જેને સ્થાનિક સમાજના લોકો ડાંગર માઉલી માતા તરીકે વર્ષોથી પૂજી રહ્યાં છે. પ્રતિ વર્ષ 31 મેના રોજ અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે માઉલી માતાની પ્રતિમાના 51 વર્ષ પૂર્ણ થતા હોવાથી અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખ્રિસ્તી સમાજ દ્વારા આ દિવસે ચર્ચ ખાતે ખાસ મિસાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી ભાષામાં મિસા પઢવામાં આવે છે.
દાદરા નગર હવેલીમાં વર્ષોથી ખ્રિસ્તી સમાજ દ્વારા થતી ડાંગર માઉલી માતાની વિશેષ પૂજા
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં અદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર ખ્રિસ્તી સમાજ દ્વારા દૂધની ખાતે પહાડ પર આવેલ માઉલી માતા મંદિરે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજ અને ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને નિહાળવા માટે સેલવાસ અને ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ માઉલી માતાના દર્શન માટે આવ્યા હતા. આ મંદિરની એવી માન્યતા છે કે, ડાંગર માઉલી મધર મરિયમ અનેક દુઃખી લોકોના દુઃખ દૂર કરતા હોવાનું, નિઃસંતાન દંપતીને ઘરે પારણું બંધાવતી હોવાનું અને દરેક મનોકામના પૂર્ણ છે. માતા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને કારણે ભક્તો પહાડી રસ્તા પર પગપાળા ચાલીને દર્શનનો લ્હાવો ઉઠાવે છે. આ ધાર્મિક સ્થળ હોવાની સાથે પ્રવાસ માટેનું સુંદર રમણીય સ્થળ છે. જેથી સહેલાણીઓ પ્રવાસનો અને મેળાનો અનોખો આનંદ ઉઠાવવા અહીં આવતા હોય છે.