- દાદરાનગર હવેલીમાં આદિવાસીઓ માટે દોઢ વર્ષથી કોરોના બન્યો કાળ
- કોરોનાના કારણે એકલદોકલ સિવાય કોઈ પ્રવાસી અહીં આવતું નથી
- દૂધની-કૌંચા પ્રવાસીઓનું પ્રિય ટુરિસ્ટ પોઈન્ટ
- 164 બોટ માલિકોનું એસોસિએશન શિકારા બોટ સર્વિસ ચલાવે છે
- કોરોના કાળમાં રોજગારી હાલ છીનવાઈ
દૂધની (દાદરાનગર હવેલી): સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કુદરતી સૌંદર્યનો નજારો માણવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દાદરાનગર હવેલીમાં મધુવન ડેમના પાણીના પ્રવાહ પર પ્રવાસીઓને બોટિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બોટમાં બેસીને સામે કાંઠે બગીચામાં ફરવા માટે દૂધની-કૌંચા પ્રવાસીઓનું પ્રિય ટૂરિસ્ટ પોઈન્ટ છે. અહીં 164 બોટ માલિકોનું એસોસિએશન શિકારા બોટ સર્વિસ ચલાવે છે, જેમની રોજગારી હાલ છીનવાઈ છે. કોરોના કાળને કારણે અહીં એકલદોકલ પ્રવાસી સિવાય કોઈ આવતું નથી.
કોરોનાના કારણે એકલદોકલ સિવાય કોઈ પ્રવાસી અહીં આવતું નથી આ સ્થળ ખૂબ જ રમણીય છે
દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસથી ખાનવેલ તરફ આવેલા દૂધની ટુરિસ્ટ પોઈન્ટ સુધી પહોંચવા માટે 15 કિલોમીટરના ઘાટને પાર કરવાનો હોય છે. ઝીગઝેગ રોડ, ઊંચા પહાડો પર શોભતા સાગ જેવા લીલાછમ ઊંચા વૃક્ષો, બેઠા ઘાટના કાચા-પાકા આદિવાસી મકાનો, ડાંગરથી લહેરાતા ખેતરો, ખળખળ વહેતા પાણીના ઝરણાંનો અદભુત નજારો માણતા આખરે દૂધની પહોંચાય છે. જ્યાં અફાટ વહેતી મધુબન ડેમના કાંઠે શિકારા બોટમાં બોટિંગની મજા માણવાનો અનુભવ જ કંઈક અલગ છે.
આ પણ વાંચો-કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House
અદિવાસીઓએને રોજગારી મેળવવામાં અનેક મુશ્કેલી
દૂધનીમાં 164 શિકારા બોટ માલિકનું ફેરી બોટ સર્વિસ એસોસિએશન છે, જેમને પ્રશાસન અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા બોટનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આ આદિવાસી બોટ માલિકો સિઝનમાં અહીં બોટ ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. ચોમાસુ પ્રવાસી સિઝનમાં શનિ અને રવિવારમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં આવતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને કારણે અહીં પ્રવાસીઓ આવતા નથી. એટલે સ્થાનિક અદિવાસીઓએ રોજગારી મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
164 બોટ માલિકોનું એસોસિએશન શિકારા બોટ સર્વિસ ચલાવે છે આ પણ વાંચો- રાજ્ય સરકારે DJ, સાઉન્ડ, મ્યુઝિક બેન્ડ ગાયકો માટે મંજૂરી આપી હોવાથી સુરતના આયોજકોમાં ખુશી
અહીં પ્રવાસીઓને કાશ્મીર-કેરળ જેવો અનુભવ થાય છે
દૂધની ટુરિસ્ટ પોઈન્ટ પર સમગ્ર દેશમાંથી હજારો પ્રવાસીઓ બોટિંગની મજા માણવા આવે છે. દિવાળી જેવા તહેવારોમાં અહીં પર પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટે છે, જેમને શિકારા બોટના નાવિકો નદીની સાહેલગાહ કરાવે છે. પ્રવાસીઓને અહીંનું સ્વચ્છ સુંદર વાતાવરણ, પહાડો અને પાણીનો નજારો ખૂબ જ ગમે છે. જાણે કાશ્મીર કે, કેરળમાં ફરવા આવ્યા હોય તેવો અનુભવ પ્રવાસીઓને થાય છે.
કોરોના કાળમાં રોજગારી હાલ છીનવાઈ અડધો કલાકના 400 રૂપિયા અથવા 1 કલાકના 600 રૂપિયા મળે છે
જોકે, શિકારા બોટ માલિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં હાલ પોતાની રોજગારી જતી કરવી પડી છે. મોટા ભાગના બોટ માલિકોને સપ્તાહમાં એક વાર માંડ એકાદ પ્રવાસીને સાહેલગાહ કરાવી અડધો કલાકના 400 રૂપિયા અથવા 1 કલાકના 600 રૂપિયા મળે છે, જેમાંથી તે તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. ત્યારે હવે આગામી દિવસોમાં દિવાળી દરમિયાન અહીં પ્રવાસીઓ વધુ આવે તેવી આશા સાથે આ બોટ માલિકો હાલ પરિવારના ભરણ પોષણની ચિંતામાં પોતાની બોટમાં અથવા તો વ્યૂ પોઈન્ટના ઓટલે ચિંતાતુર મુદ્રામાં બેસીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.