- મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મીઠા ઉદ્યોગમાં પરેશાની
- ચાલુ વર્ષે ઉત્પાદનમાં થઈ શકે છે 30 ટકાનો ઘટાડો
- અગરોમાં પાણી ભરાયેલા હોવાથી તે સુકાયા બાદ જ મીઠું પકવી શકાય
મોરબી: ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે જે રીતે ખેતીમાં નુકસાન થયું છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મીઠાના અગરમાં હજી વરસાદી પાણી સુકાયા નથી. જેના કારણે કેટલાક અગરોમાં મીઠું પકવવાની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. જેથી ચાલુ વર્ષે મિઠાના ઉત્પાદનમાં 30 ટકાથી વધુ ઘટાડો થાય તેવી શક્યતા છે.
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મીઠા ઉદ્યોગમાં પરેશાની ચાલુ વર્ષે ઉત્પાદનમાં થઈ શકે છે 30 ટકાનો ઘટાડો
માળિયામાં આવેલા તાલુકા સોલ્ટ મેનુફેક્ચરર સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અમરીશભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મીઠાનું ઉત્પાદન સંપૂર્ણ રીતે કુદરત આધારિત હોય છે અને વરસાદ વધુ પડે એટલે મીઠાના ઉદ્યોગને નુકશાન થાય છે. ચાલુ વર્ષે વરસાદની સિઝન લંબાઈ હતી જેથી હજુ સુધી મીઠાનું ઉત્પાદન ચાલુ થયું નથી. વધુમાં તેમણે કહ્યું કે, માળીયા પંથકમાં બનતું મીઠું ઉદ્યોગોમાં કોસ્ટિક સોડા અને સોડા એશ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી વખતે અહીથી મીઠાનું એક્સ્પોર્ટ પણ કરવામાં આવે છે.
અગરોમાં પાણી ભરાયેલા હોવાથી તે સુકાયા બાદ જ મીઠું પકવી શકાય
માળીયા તાલુકા મેનુફેક્ચરર સોલ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ રાજવીરસિંહ સરવૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે માત્ર ખેતીને જ નુકશાની થાય છે તેવું નથી. મીઠા ઉદ્યોગને પણ મોટી નુકશાની થતી હોય છે. કારણકે, મીઠાના અગરમાં બનાવવામાં આવેલા માટીના પાળા પણ ઘણી જગ્યાએ વસરાદી પાણીના લીધે ધોવાઇ ગયા છે. જો કે હજુ કેટલાંકા એરીયામાં પાણી ભરેલા હોવાથી અગરમાં જઈ શકાય તેમ નથી અને ઘણી જગ્યાએ મીઠાના અગરોની અંદર માટીના પાળા સહિતની કામગીરી કરવી પડશે. ત્યારબાદ મીઠું પકવવાની કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે. જેથી ઉત્પાદન મોડું શરૂ થવાથી મીઠાના કુલ ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો થાય તેમ છે.
અગરોમાં ભરાયેલું પાણી સુકાયા બાદ જ મીઠું પકવી શકાશે
મોરબી પંથકમાં પકાવવામાં આવતા મીઠાને દેશના તમામ રાજ્યોમાં સપ્લાઇ કરવામાં આવે છે. તેમજ કેટલાંક ઉદ્યોગોમાં મીઠાનું એક્સ્પોર્ટ પણ કરવામાં આવે છે અને સામાન્ય રીતે વર્ષે 20 લાખ ટનથી વધુ મીઠાનું ઉત્પાદન મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો અને ડેમમાંથી એકી સાથે પાણી છોડવામાં આવતા હજુ પણ કેટલાક આગરોમાં મીઠા પાણી ભરાયેલા છે. જેથી આ પાણી સુકાય તે પછી જ મીઠું પકવવાનું કામ શરૂ થઈ શકે તેમ છે. જેથી આ વર્ષે મીઠાના કુલ ઉત્પાદનમાં સરેરાશ 30 ટકા જેટલો ઘટાડો થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વધુમાં અહીંના મીઠાના ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા વર્ષોથી ઋતુચક્ર બદલાઈ ગયુ છે અને લગભગ ચોમાસુ બે મહિના મોડું કાર્યરત થતું હોય તેવું જોવા મળે છે. જેના કારણે છેલ્લા વર્ષોની જેમ આ વર્ષે પણ મીઠાના ઉત્પાદનમાં ઘણું મોડું થઈ રહ્યું છે. જેથી ચાલુ વર્ષે અંદાજે 30 ટકાથી વધુ મિઠાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે.