મોરબીમાં લગ્નપ્રસંગે ગયેલા સોની પરિવારના ઘરે થઈ 4.5 લાખની ચોરી - MRB
મોરબીઃ મોરબી જિલ્લો તસ્કરો માટે રેઢો પડ બની ગયો છે. શિયાળો હોય કે પછી ઉનાળો દરેક ઋતુમાં તસ્કરોનો તરખાટ જોવા મળે છે. જેમાં ચોરીના વધુ એક બનાવમાં મોરબીના કુબેરનગરમાં રહેતા સોની પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.20 લાખના દાગીના અને ૩૦ હજાર રૂપિયા રોકડ સહીત કુલ 4.50 લાખની ચોરી કરી નાસી ગયા છે. પોલીસ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા સમાન ફરિયાદ નોંધી હવે તપાસના ઘોડા દોડાવી રહી છે.
મોરબીના નવલખી રોડ પરના કુબેરનગર સોસાયટીના રહેવાસી અને સુવર્ણકલા જવેલર્સના સંચાલક કૌશિકભાઈ હરિભાઈ પાટડીયા નામના સોની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કૌશિકભાઈએ જણાવ્યું છે કે, ગત તારીખ 28 ના સવારે તેઓ લગ્નપ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના પાછલા દરવાજાથી પ્રવેશ કરી ઘરના કબાટમાં રાખેલ ઘરેણા જેમાં એક સોનાની માળા 45 ગ્રામ વજન, એક પેન્ડલ સેટ 18 ગ્રામ, રંગીન મોતીની માળા 20 ગ્રામ, સોનાનો ચેઈન 22 ગ્રામ, સોનાની માળા 10 ગ્રામની, બે સોનાનના પેન્ડલ 7 ગ્રામ વજનના, સોનાની લેડીઝ વીંટી નંગ 5 થી 7 આશરે 15 ગ્રામ વજનની તેમજ એક જોડી સોનાની બુટી 05 ગ્રામની, ચાર જોડી સોનાની બાલી 7 ગ્રામની, ત્રણ જોડી સોનાની ઝુમર બુટ્ટી 10 ગ્રામની મળીને કુલ 15 તોલા સોનાના દાગીના કિમત રૂપિયા 4.20 લાખ અને રોકડા 30 હજાર સહીત તસ્કરો કુલ 4.50 લાખની મત્તા ચોરી કરી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.