મોરબીના રંગપર નજીક ઈરેટો સેનેટરીમાં કામ કરતા શ્રમિક રામસિંગ ભવરલાલનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ ચલાવી હતી. જેમાં મૃતકની પત્ની કિરણદેવી ફરાર હોવાથી જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી. પોલીસની ત્રણ ટીમોએ MP, બિહાર અને દમણ સુધી તપાસ ચલાવી હતી. જેમાં હત્યારી પત્ની કિરણદેવી અને તેનો પૂર્વ પતિ ઇન્દ્લ પાસવાન ઝડપી લઈને આકરી પૂછપરછ કરી હતી. જેમાં આ બંને ઇસમોએ હત્યા કર્યાની કબુલાત કરી હતી. મૃતકની પત્ની કિરણદેવીએ તેના પૂર્વ પતિ ઇન્દ્લ પાસવાનને દમણથી બોલાવીને રાત્રિના સમયે ઓરડીમાં આવી પાંચ કિલોના પથ્થર વડે માથામાં ઘા ઝીંકી હત્યા કરી હતી.
મોરબીમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું
મોરબી: જિલ્લામાં આવેલા રંગપર નજીકની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક યુવાનની હત્યા થઈ હતી. આ હત્યા બાદ મૃત યુવાનની પત્ની ફરાર હતી. આ બાબતે પોલીસે વિવિધ ટીમો બનાવીને MP, બિહાર તેમજ દમણ સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની ટીમે હત્યારી પત્ની અને તેના પૂર્વ પતિને દબોચી લીધા છે. મૃતક યુવાનના પત્ની સાથે બીજા લગ્ન હતું. જોકે ઘરકંકાશ અને અવારનવાર મારઝૂડથી કંટાળી ગયેલી પત્નીએ પૂર્વ પતિની મદદથી પતિને મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થયો છે.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, કિરણદેવીના અગાઉ ઇન્દ્લ પાસવાન સાથે લગ્ન થયા હતા અને તે દમણ ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં મૃતક રામસિંગ પણ રહેતો હતો અને કિરણદેવી સાથે તેને પ્રેમ લગ્ન કરતા ઇન્દ્લ પાસવાનને છૂટાછેડા આપી દીધા હતા. જોકે રામસિંગ સાથે લગ્ન બાદ અવારનવાર ઝઘડો થતો, પતિ માર મારતો અને કાઢી મુકતો જેથી પૂર્વ પતિને મોરબી બોલાવીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. આ હત્યા બાદ આરોપીઓ વાંકાનેરથી અમદાવાદ ટ્રેનમાં અને અમદાવાદથી વાપી ટ્રેનમાં બેસી નાસી ગયા હતા અને વાપીથી રીક્ષામાં દમણ પોતાના રૂમ ખાતે પહોંચ્યા હતા. જોકે મોરબી તાલુકા પોલીસની ટીમે દમણ સુધી તપાસ ચલાવીને બંને આરોપીને ઝડપી લીધા હતા.
આમ પોલીસે હત્યારી પત્ની અને પૂર્વ પતિને ઝડપી લઈને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.