પાણીમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદૂત, બાળકોને ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા - પોલીસ બની દેવદૂત
મોરબી: જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ડેમો તથા ચેકડેમો ઓવરફલો થતા ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે આવી જ સ્થિતિ ટંકારા તાલુકાના કલ્યાણપર પાસે જોવા મળી હતી. જ્યાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી, તો આ સ્થિતિની જાણ ટંકારા પોલીસે કર્મચારીઓને થતા ટંકારા પોલીસના પૃથ્વીરાજસિંહ જાડેજા અને ફિરોજભાઈ પઠાણ સહિતની ટીમે સ્થળ પર પહોચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
ટંકારા પોલીસના જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાના ખભે ઉચકીને બાળકોના રેક્સ્યું કર્યા હતા અને કલ્યાણપર નજીક ફસાયેલા 43 લોકોનો સફળતાપૂર્વક રેક્સ્યું કરાયો હતો. તો બાળકોને ખભે ઉચકીને પોલીસ જવાને રેક્સ્યું કરતા સૌ કોઈ તેની સરાહના કરી રહ્યા છે તો તેની સાથે રેસ્ક્યુમાં જોડાયેલા જવાન ફિરોજભાઈ પઠાણ પર પણ શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.આ વિકટ પરિસ્થિતિમાં રામ રહીમની જોડી બનીને આવેલા બંને પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે, પોલીસમાં કોઈ નાત જાત હોતા નથી પોલીસ પોતાની ફરજ બજાવે છે અને પોલીસ હમેશા લોકો માટે જ છે. પોલીસ જવાનની કર્તવ્ય ભાવના અને સેવા પરાયણતાને સૌ કોઈ આવકારી રહ્યા છે. તેમજ રેસ્ક્યુ કરાયેલા લોકો પણ દેવદૂત બનીને આવેલા પોલીસ જવાનોનો આભાર વ્યકત કરી રહ્યા છે.