ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, પાલિકામાં રજૂઆત

મોરબીઃ શહેરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. જેથી મોરબી વાસીઓ દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનાળા બાયપાસ પાસેના શ્રમજીવી વિસ્તારોમા ચૂંટણી સુધી પાણી બરોબર આવ્યું હતું, પરંતુ જેવી ચૂંટણી પૂરી થઇ કે તરતજ પાણીની સમસ્યાના મંડાણ શરુ થયા છે.

By

Published : May 29, 2019, 5:40 PM IST

મોરબીમાં પ્રાથમિક સુવિધા મામલે પાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખરીએ પાલિકા તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી કે શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર, ગોકુલનગર, મફતિયાપરા સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી પાણીની મોકાણ સર્જાઈ હતી.પાણી માટે આ વિસ્તારના શ્રમજીવી લોકોએ જયાં ત્યાં ભટકવું પડતું હતું.ત્યારે આ વિસ્તારના લોકોએ પાણી પ્રશ્ને અંગે તંત્ર સામે ભારે લડત ચલાવી હતી અને પાલિકા કચેરીએ વખતોવખત મોરચો માંડ્યા હતા.

પરંતુ અગાઉ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તંત્રએ આ વિસ્તારોનો પાણી પ્રશ્ન હલ કરી દીધો હતો અને ચૂંટણી સુધી આ વિસ્તારોમા પાણી પૂરતા પ્રમાણમાં આવ્યું હતું.ચૂંટણી સુધી ફૂલ ફોર્સથી આવતું પાણી ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ડચકા ખાવા માંડ્યું છે. ચૂંટણી પૂરી થતા જ અગાઉની જેમ ફરી પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે.આથી આ વિસ્તારોના લોકોને હેરાનગતિ ફરી પહેલા જેવી થઈ ગઈ છે.

ત્યારે આ વિસ્તારોના લોકોએ એવો સણસણતો સવાલ કર્યો છે કે, શું ચૂંટણીમાં મતની લાલચે પાણી આપવામાં આવ્યું હતું કે કેમ? જો આવું ના હોય તો ચૂંટણી પૂરી થયા બાદ પાણીની મોકાણ ફરી કેમ શરૂ થઈ? વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સાથે સ્ટ્રીટ લાઈટો બંધ, ખરાબ રસ્તા, ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેમણે આ તમામ પ્રશ્નો હલ કરવાની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details