મોરબીમાં ઘણી જગ્યાએ શોપિંગ સેન્ટરોમાં, શાળાઓ, કોલેજો અને ક્લાસિસ છેલ્લા ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યાં છે. જોકે, આજ સુધીમાં ક્યારે પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી, પરંતુ સુરતમાં બનેલી ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને આજે શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફાયરસેફ્ટીના નિયમોની કેટલા સંચાલકો દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે તે અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન કૌશલ્ય કેન્દ્ર સહિતના ક્લાસિસમાં ફાયરસેફ્ટીના સાધનો એક્સ્પાયર થઇ ગયા હોય તેવું ધ્યાન પર આવ્યું હતું.
મોરબીના ક્લાસિસ સંચાલકો સાથે પોલીસે યોજી બેઠક, નિયમોના પાલન માટે અપાઈ ચેતવણી - administrator
મોરબી: સુરતના સરથાણા વિસ્તારમાં બનેલા બનાવને ધ્યાનમાં રાખીને મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુદા-જુદા ક્લાસિસના સંચાલકોની બેઠક યોજી હતી. જેમાં ખાસ કરીને પહેલા માળના ભાગે જેટલા પણ ક્લાસિસ ચલાવવામાં આવી રહ્યાં છે તેમાં સેફ્ટીના સાધનો મુકવા અને ફાયર વિભાગની NOC જરૂરી છે તેવી સુચના દેવામાં આવી હતી. જો કોઈ સંચાલક દ્વારા આ સૂચનને નજરઅંદાજ કરવામાં આવશે તો તેની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે.
જેને લઈને મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ PI જે.એમ.આલની અધ્યક્ષતામાં ક્લાસિસના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના અધિકારીઓ અને ૩૦ જેટલા જુદા-જુદા ક્લાસિસના સંચાલકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામને ફાયરસેફ્ટીના નિયમોની ચુસ્તપણે અમલવારી કરવાની સુચના દેવામાં આવી હતી. પહેલા માળથી ઉપરના ભાગમાં જેટલા પણ ક્લાસિસ હાલમાં મોરબીમાં ચલાવવામાં આવી રહ્યા છે તેમાં ફાયરસેફ્ટીના સાધનો મુકવામાં આવે અને તે સાધનોને ચલાવવાની જરૂરી તાલીમ પણ સંચાલક સહિતના સ્ટાફને દેવામાં આવે તેના માટેની સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત કોઇપણ જગ્યાએ ક્લાસિસની આજુબાજુમાં કચરાનો, ટાયરનો કે પછી બીજી કોઇપણ વસ્તુ કે જેમાં આગ લાગવાની શક્યતા હોય તેને હટાવવા માટેની કાર્યવાહી કરવાની રહેશે. સાથ વીજ વાયરો પણ ખુલ્લામાં હોય તો તેના માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટેની સુચના આપવામાં આવી છે. ખાસ કરીને અત્યાર સુધી ફાયરસેફ્ટીના નિયમોનો ઉલાળ્યો કરીને જે રીતે ક્લાસિસ ચલાવવામાં આવતા હતા તેવી રીતે ચલાવી શકાશે નહી. પાલિકામાંથી ફાયરની NOC મેળવ્યા પછી જ ક્લાસિસ ચાલુ કરી શકાશે તેવી સુચના આપવામાં આવી હતી. જો કોઇપણ સંચાલક દ્વારા હવે ફાયરસેફ્ટીના નિયમોને નજર અંદાજ કરવામાં આવશે, તો તેની સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે તેવું PIએ જણાવ્યું છે.