મોરબી: છેલ્લાં કેટલાંક સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં હૃદય રોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગત રાત્રીના ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં એક આધેડ ભુવાને ધૂણતા-ધૂણતા હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું, જયારે બીજા બનાવમાં વાંકાનેરના હસનપર ગામે મંદિર પાસે ૨૮ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.
માંડવામાં ધૂણતા ભુવાનું હાર્ટએટેકથી મોત, મોરબીના ટંકારા પંથકમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતના બે બનાવ
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જાણે કે હાર્ટએટેકના બનાવો સામાન્ય બની રહ્યા હોય તેમ છેલ્લાં ઘણા સમયથી હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. એટલું જ નહીં હાર્ટએટેકના પગલે અત્યાર સુધીમાં ઘણા લોકો મૃત્યું પણ પામ્યા છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકછી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Published : Nov 18, 2023, 7:09 AM IST
|Updated : Nov 18, 2023, 8:34 AM IST
માંડવામાં ધૂણતા ભૂવાનું મોત: પ્રથમ બનાવમાં ટંકારાના નાના રામપર ગામના રહેવાસી મોહનભાઈ પરબતભાઈ બોસીયા (ઉ.વ.૫૫) નામના પૌઢ ગત રાત્રીના નાના રામપર ગામે રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવાના પ્રસંગમાં ગયા હતા, અને ભુવા ધૂણતા હોય ત્યારે ધૂણતા-ધૂણતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે ભુવા બેશુદ્ધ જેવી હાલતમાં હોવાથી થોડા સમય સુધી આસપાસમાં બેસેલ લોકોને પણ કાઈ ખ્યાલ આવ્યો ન હતો કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હશે, આખરે આ હૃદયરોગનો હુમલો ઘાતક નીવડતા થોડીવારમાં જ પૌઢનું મોત થયું હતું, બનાવની ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હસનપર ગામે યુવાનનું હાર્ટ એટેકથી મોત: જયારે બીજા બનાવમાં હસનપર ગામના રહેવાસી શૈલેષકુમાર અશોકભાઈ દાદરેચા (ઉ.વ.૨૮) નામના યુવાનનું ગામના મેલડી માતાના મંદિર પાસે મોત થયું હતું, જેથી તેનો મૃતદેહ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું, આ મામલે વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.