- 616 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા
- તાલુકા પંચાયતની તમામ બેઠકો પર 70.26 ટકા મતદાન નોંધાયું
- રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ મતદાન કર્યું
- રાજકોટના રેન્જ આઈજીએ મોરબીની મુલાકાત લીધી
- મોરબીમાં મતદાન સમયે 5 સ્થળે ઈવીએમમાં ખામી સર્જાઈ
- મહિલાઓ અને સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું
મોરબીઃ જિલ્લામાં સાંજે મતદાન પૂર્ણ થતા 616 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી થશે. મતદાનના આંકડા પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં આવતી 3 નગરપાલિકાના મતદાનની વાત કરીએ તો મોરબી નગરપાલિકામાં 55.22 ટકા, માળિયા નગરપાલિકામાં 55.80 ટકા અને સૌથી વધુ વાંકાનેર નગરપાલિકામાં 62.69 ટકા મતદાન નોંધાયું છે અને ત્રણેય પાલિકાનું સરેરાશ મતદાન 56.43 ટકા જેટલું નીચું રહ્યું છે
તાલુકા પંચાયતની તમામ બેઠકો પર 70.26 મતદાન નોંધાયું
જ્યારે શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે, જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં 70.14 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં 66.44 ટકા, માળિયા તાલુકા પંચાયતમાં 64.24 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 72.14 ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં 76.58 ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં 70.69 ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન 70.26 ટકા નોંધાયું છે જે શહેરી વિસ્તાર કરતા સારું કહી શકાય.
રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ મતદાન કર્યું
જિલ્લામાં ચૂંટણીને પગલે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જયંતી કવાડિયા, કોંગ્રેસ અગ્રણી જયંતી પટેલ, પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ અને આરએસએસ અગ્રણી સહિતનાઓએ મતદાન કર્યું હતું તો વયોવૃદ્ધ અને યુવા મતદારો પણ મતદાન કરતા જોવા મળ્યા હતા.