મોરબી : મોરબીના આમરણ પંથકમાં બુધવાર અને ગુરુવારે સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બે દિવસ સુધી સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી અને અજમો જેવા પાકને નુકશાન થાય તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આમરણ પંથકમાં મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયેલ છે. તેમજ રોડ પરથી પસાર થતા બંને તરફ નદી હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. ત્યારે ખેડૂતોને વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતા પાકને નુકશાન થાય તેવો ભય ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.
મોરબી તાલુકાના આમરણ ગામે ખેતરો બેટમાં ફેરવાયા - morbi rain news
મોરબી પંથક અને જિલ્લામાં જન્માષ્ટમીથી મેઘો મહેરબાન થયો છે, અને સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. તો મોરબીના આમરણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસ સુધી સારો વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થતાં ખેડૂતોને પાક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. તંત્રને જાણ કરવામાં આવી છતાં કોઈપણ મુલાકત લેવા આવ્યું નથી. તો ખેડૂત કાન્તિલાલભાઈ જણાવે છે કે, 15 વિઘા જમીનમાં કપાસનો પાક લીધો હતો. પણ ભારે વરસાદને પગલે ખેતરમાં પાણી ભરાતા પાક સાવ દેખાતો બંધ થયો છે. હવે થોડું પણ ઉત્પાદન આવે તેવી શક્યતા હાલ રહી નથી. તો ખેતીવાડી અધિકારી જણાવે છે કે, આમરણ ગામે ખેતરમાં પાણી ભરાયા હોવાની જાણ અમને થઇ છે, પરંતુ સ્થિતિ જોતા જણાય છે કે, હાલ પાણી ઓસરવા માંડ્યું છે. જેથી ખેડૂતોને નુકશાની થશે નહિ અને પાક ફરી જીવંત થશે.