મોરબીઃ પેટા ચૂંટણીની તૈયારીઓને લઇ ભાજપના અને કોંગ્રેસના આગેવાનો મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમાં આજે સોમવારે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો આવો જોઈએ મોરબીમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસના કેટલા ઉમેદવારો મેદાને છે અને મોરબી આવેલા કોંગ્રેસના આગેવાનોએ પક્ષ પલટો કરનાર બ્રિજેશભાઈ પર કેવા પ્રહારો કર્યા છે. જોઈએ આ અહેવાલમાં...
મોરબી પેટાચૂંટણીના વાગ્યા પડઘમ
- કોંગ્રેસના આગેવાનો મોરબી પહોંચ્યા
- સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો
- પક્ષપલટું બ્રિજેશ મેરજા પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
- મોરબીમાં પાટીદાર વિરુદ્ધ પાટીદાર વચ્ચે ફરીએકવાર જામી શકે છે જંગ
બ્રિજેશ મેરજાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પેટા ચૂંટણીને લઇ ભાજપના નેતાઓએ મિટીંગ યોજી હતી જેમાં બ્રિજેશ મેરજાના નામ પર મહોર લગાવી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય લલિત વસોયા અને વિક્રમ માડમ સહિતના નેતાઓ મોરબી પધાર્યા હતા. પેટા ચૂંટણીની મોરબી બેઠકની જવાબદારી પક્ષે અર્જુનભાઈને સોંપી હોવાથી ઉમેદવારના નામોની ચર્ચા ઉપરાંત પેટા ચૂંટણીમાં રણનીતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.