મોરબીઃ શહેરમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2019માં ATM મશીનોમાં મુખ્ય બ્રાંચ પરાબજાર દ્વારા શહેરના અલગ અલગ SBI બેંક ATM મશીનોમાં રોકડ રકમ નાખવામાં આવી હતી. બાદમાં વધારાની રોકડ રકમ મશીનમાંથી નીકળી હતી અને જુદી જુદી રોકડ રકમનું ટ્રાન્જેક્શન થયેલુ, પંરતુ તે ફેઈલ થયું હોવાની એક શખ્સે ખોટી કમ્પ્લેન કરીને એક ટ્રાન્જેક્શનની રકમ બે વખત મેળવી હતી. ત્યાર બાદ SBI બેંક સાથે 7.61 લાખની ચીટીંગ થયા અંગે દીવ્ઝીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે ફરિયાદ સંદર્ભે મોરબી પોલીસે સઘન તપાસ ચલાવી હતી અને ATM મશીનના CCTV ફૂટેજ તપાસતા બેંક સાથે આશરે રૂપિયા 30 લાખ જેટલું ચીટીંગ થયાનું જણાયું હતું. જેથી ATM મશીનમાં અવારનવાર જતા અને રોકડ ઉપાડ કરતા ઈસમોની તપાસ કરવામાં આવી હતી. ફ્રોડમાં વપરાયેલા કાર્ડ ઉત્તરપ્રદેશના હોવાનું બહાર આવ્યુ હતું અને બેંક ફ્રોડમાં સંડોવાયેલા ઇસમ રાજકોટ ખાતે બેંક ચીટીંગ કરવા આવેલો હતો. તેવી બાતમી મળતા વોચ ગોઠવીને આરોપી પુરણસિંગ ઉદેસિંગ નિશાળને ઝડપી તપાસ કરતા તેની પાસેથી વિવિધ બેંકોના 17 ATM કાર્ડ મળી આવ્યા હતા.