મોરબી પંથકમાં અકસ્માતની વધુ એખ ઘટના સામે આવી છે. અકસ્માત થતાં પીડિતોના રાહત અને બચાવ માટે આવતી એમ્બ્યુલન્સ આ વખતે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેઇલરના ચાલકે ૧૦૮ ને ઠોકરે ચડાવી હતી. જ્યાં એમ્બ્યુલન્સને નુકસાન થયાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લખધીરપુર રોડ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રેઇલરની ટક્કર - TRAILER
મોરબીમાં લખધીરપુર રોડ નજીક ટ્રેઈલર ચાલકે એમ્બ્યુલન્સને અડફેટે ચઢાવતા એમ્બ્યુલન્સમાં નુકશાન થયુ છે. જે અંગે પોલીસ મથકે ટ્રેઈલર ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામના રહેવાસી હરદેવસિંહ બાલુભા જાડેજા (ઉ.વ.૨૭) બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ૧૦૮ એમ્બ્યુલન્સ નં જીજે ૧૮ જી ૮૨૯૯ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરના લખધીરપુર રોડના નાકા પાસેથી સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેઇલર નંબર આર.જે. ૧૪ જીએચ ૦૩૨૬ ના ચાલકે એમ્બ્યુલન્સને ટક્કર મારી આગળના ખાલી સાઈડ દરવાજાના ભાગે તથા બમ્પર અને બોનેટના ભાગે નુકશાન પહોંચાડ્યુ હતુ. તેમજ સાઈડ ગ્લાસ અને આગળનો કાચ તોડી નુકશાન કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બી ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.