પૂજા યોગની સામ્રાજ્ઞિની છે, મિસ વર્લ્ડ યોગીની છે અને કહીએ તો યોગ માટે તેનું જીવન છે. મહેસાણાના એક નાનકડા ગામની પૂજા પટેલે 9 વર્ષની બાળ આયુથી જ પોતાના જીવનને યોગમાં ખપાવી દીધું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દિકરીએ ટૂંકા સમયમાં યોગકલાને પોતાના જીવનમાં એ હદે સિંચન કર્યું કે, આજે તે મિસ વર્લ્ડ યોગીની બનીને દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પૂજાના ખેડૂત પિતા ઘનશ્યામભાઈ પટેલ પોતાના ઘરે ટીવીમાં યોગના વિવિધ કાર્યક્રમો જોતા હતા. જેમાંથી પોતાના સંતાનો પણ યોગ થકી તેમનું સ્વાસ્થ્ય સાચવે તે માટે પરિવારના તમામ સભ્યો સાથે યોગ કરવાની શરૂઆત કરી હતી.
આ દરમિયાન જ ઘનશ્યામભાઈની વહાલસોયી દિકરી પૂજાને યોગ કરતાં જોઈ પિતાને લાગ્યું કે, પૂજામાં યોગની અદભૂત કળા છુપાયેલી છે. જેને ફક્ત પ્રોત્સાહન મળે તો, તે ખૂબ જ પ્રગતિ કરી શકે છે તેવા સ્વપ્નનો શણગાર પોતાના હ્દયમાં કર્યો હતો. પોતાની દિકરીમાં રહેલી યોગની કળાને જાણતા ઘનશ્યામભાઈએ પોતાની દિકરીમાં યોગના કણ-કણનું સિંચન શરૂ કર્યું હતુ. દિકરીને આ ક્ષેત્રમાં સફળતા અપાવવા માટે તેમણે તન, મન અને ધન ખપાવી દીધા. જેના પરિણામ સ્વરૂપે મહેસાણા પંથકમાં પૂજા પટેલ યોગ માટે ઝળહળી ઉઠી અને જીવનમાં યોગની પ્રથમ પરીક્ષા પોતાની શાળામાં આપી હતી. જ્યાં શાળામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં તે પ્રથમ નંબરે આવી હતી. બાદમાં પૂજાએ સરકારના ખેલ મહાકુંભમાં અને નેશનલ કક્ષાએ યોજાતી યોગ સ્પર્ધામાં પોતાની અદભૂત કળાઓનું પ્રદર્શન કર્યુ હતુ. આ સ્પર્ધાઓમાં પણ તેણે પોતાની યોગની યોગ્યતાઓ સિદ્ધ કરી બતાવી હતી.
દેશમાં મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધરનાર પૂજાએ 2014માં 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ચીનના શાંઘાઈમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં 300 યોગ સ્પર્ધકો વચ્ચે પોતાના આગવા કૌશલ્ય થકી વૈશ્વિક કક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો હતો. પૂજાએ ચીનમાં સતત 3 વાર યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ મેડલ અને કાસ્યચંદ્રક સાથે મિસ વર્લ્ડ યોગીનીનું સન્માન પ્રાપ્ત કરતા ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે.
યોગમાં ત્રણ વખત આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યા બાદ પણ પૂજા ભારતની સંસ્કૃતિને આગળ વધારવા અને દેશને વધુ ગૌરવ અપાવવા મક્કમ મને આગળ વધી રહી છે. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં ભારતની આ મિસ વર્લ્ડ યોગીની ભારતનું પ્રતિનિધિત્વ કરી વધુ એક સફળતા પ્રાપ્ત કરવા સાઉથ કોરિયામાં યોજાનાર યોગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. જ્યાં તે નવો ઈતિહાસ રચવા માટે આતુર છે. પૂજા હવે યોગમાં 8 મિનિટમાં 120 યોગાસનો કરી વિશ્વમાં એક એવો અદભુત રેકોર્ડ રચશે, ત્યારે સરકારનો સહયોગ અને પૂજાની મહેનત વિશ્વ રેકોર્ડમાં ભારતની નામના વધારશે તે વાત નિશ્ચિત છે.