- મહેસાણામાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતના વાઇરલ મેસેજ અફવા
- મોઢેરા ખાતે 7 તારીખના રોજ 4 મૃત કાગડા મળેલ
- 4 મૃત કાગડાના દેહ પરીક્ષણ માટે મોકલાયા
- ખોટા મેસેજને પગલે કલેકટરની પ્રતિક્રિયા
- જિલ્લા પશુપાલન અને વહીવટી તંત્રની ટીમ સર્વેલન્સ અને એક્શન માટે સતર્ક
મહેસાણા : સામાન્ય રીતે ગુજરાત આસપાસના રાજ્યોમાં બર્ડ ફ્લૂના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ગત રોજ 8 જાન્યુઆરીએ જૂનાગઢમાં પણ રાજ્યનો પ્રથમ બર્ડ ફ્લુનો કિસ્સો સામે આવ્યો છે. જેની સાથે મહેસાણા જિલ્લામાં સોશિયલ મીડિયા જેવા કેટલાક માધ્યમો પર મહેસાણામાં પણ મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા હોવાની ચર્ચાઓ ચગડોળે ચડી હતી. ત્યારે સમગ્ર બાબતે અફવા હોવાની માહિતી આપતા મહેસાણા જિલ્લા કલેકટરે જિલ્લામાં વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગની કામગીરી અને તકેદારીની માહિતી પૂરી પાડી છે.
મહેસાણા જિલ્લામાં 10 દિવસમાં 258 સેમ્પલ લેવાયા
મહેસાણા જિલ્લામાં બર્ડ ફલૂનો હાલમાં કોઈ કિસ્સો સામે આવ્યો નથી. જોકે ઠંડીની સીઝનમાં બર્ડ ફલૂ પક્ષીઓમાં થવાની શક્યતાઓ હોય છે. મહેસાણા જિલ્લામાં તંત્ર પહેલે થી જ સતર્ક બન્યું છે. જોકે આ સ્થિતિમાં જિલ્લાના મોઢેરાથી ચાર મૃત કાગડા મળ્યા હતા. જેમના મૃતદેહ પરીક્ષણ માટે ભોપાલ મોકલાયા છે. તો છેલ્લા 10 દિવસમાં 258 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 117 રક્તના, 48 શારીરિક અને 93 ક્લોવકલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલમાં પણ સર્વેલન્સની કામગીરી ચાલુ છે.
મહેસાણામાં પક્ષીઓના મોતના વાઇરલ મેસેજ ખોટા, કલેકટરે કર્યો ખુલાસો થોળ પક્ષી અભ્યારણ સહિત મોઢેરા વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલુ
મહેસાણાના મોઢેરામાં 4 મૃત કાગડા મળી આવતા તેને તપાસ અર્થે મોકલી આપી પશુપાલન વિભાગ દ્વારા 5 થી 10 કિમિ સુધી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ થોળ પક્ષી અભ્યારણમાં વિદેશથી પક્ષીઓ આવતા હોવાથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તો સેમ્પલ પણ લેવાયા છે. જોકે, મૃત કાગડાના પરીક્ષણ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. તો પ્રાથમિક તપાસમાં મહેસાણા જિલ્લામાં કોઈ બર્ડ ફલૂનો કેસ નોંધાયો નથી. તે માટે હાલમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત જેવા વાઇરલ મેસેજો એક રીતે અફવા સાબિત થઈ રહ્યા છે અને કલેકટર દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે.