મોઢેરા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરના સાનિધ્યમાં નૃત્યકલા અને સંસ્કૃતિના સમન્વય એવા ઉત્તરાર્ધ મહોત્સવ-2020નો પ્રારંભ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે. જેમાં ધરતી પરના સાક્ષાત દેવતા સૂર્યનારાયણ દેવની ઉપાસના માટે સંગીત અને નૃત્ય થકી સંસ્કૃતિની ઝલક છલકાશે.
આ સૂર્યમંદિરમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વગેરેનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કરવામાં આવ્યુ છે. આ મહોત્સવની ઉજવણી કરવામાં આવતા સાંસ્કૃતિક વારસો અને કલાને જીવંત રાખી શકાય છે.
સૂર્યમંદિરને દુલ્હનની જેમ સજાવાવમાં આવ્યું છે. જેના પ્રાંગણમાં રાજ્યના સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, મહેસાણા જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યો સહિત પ્રદેશના વિવિધ નામાંકિત કલાકારો કલા અને સંસ્કૃતિનું રસપાન કરાવશે.
આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં ૧૯૯રથી ઉજવણી કરવામાં આવે છે.