- મહેસાણામાં પોલીસે માસ્ક મામલે દંડ વસુલતા યુવાને ગાળો દીધી
- યુવક અને તેના પિતાએ જાહેરમાં પોલીસને આડે હાથ લીધી
- યુવક અને પિતા સામે સરકારી કામગીરીમાં રુકાવટ મામલે નોંધાવી ફરિયાદ
મહેસાણા: શહેર A ડિવિઝન પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા અનુપ માર્કેટમાં કોરોના ગાઈડલાઇનનું પાલન થાય છે કેમ? તેની ચકાસણી કરવા માટે ગયેલા પોલીસ કર્મીને પવન પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં લોકોની ભીડ જોવા મળી હતી. ભીડ ઉપરાંત દુકાનના સંચાલકે માસ્ક પણ પહેર્યું ન હોવાથી પોલીસ દ્વારા રૂપિયા 1 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા દુકાન માલિક અને તેના પુત્રે પોલસી કર્મી સાથે બોલાચાલી કરીને બિભત્સ ગાળો પણ દીધી હતી. જેનો વીડિયો વાઈરલ થતા પોલીસે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવકનો પોલીસને પ્રશ્ન, શું ચૂંટણી વખતે તમને રેલીઓ નથી દેખાતી?
દંડ વસૂલાત કરતા યુવકે ગુસ્સે ભરાઈને પોલીસ સામે આક્રોશ ઠાલવીને પ્રશ્ન કર્યા હતા કે, શું પોલીસને ચૂંટણીઓની રેલીઓ નથી દેખાતી? શા માટે સામાન્ય પ્રજાને પરેશાન કરીને લૂંટો છો? ત્યારે આ યુવકની વાત કાયદાકીય રીતે ખોટી રજૂઆત કહેવાતા ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ ભાજપના મહિલા કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા, ત્યારે કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. જ્યારે સામાન્ય જનતાનો આક્રોશ યોગ્ય માનવો કે નહીં? તે આ બે ઘટના પરથી સ્પષ્ટ થઈ જાય છે