- વિસનગરના ભાલક ગામે વૃક્ષ પર લટકતી યુવકના મૃતદેહ મામલે હત્યા કે આત્મહત્યા?
- ત્રાંસવાડના યુવકનો મૃતદેહ વિસનગરના ભાલક ગામે વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યો
- મૃતકના બંને હાથ બાંધેલા અને ગળે ફાંસો જોતા હત્યાની આશંકા
મહેસાણા: ગુજરાતમાં દિન-પ્રતિદિન ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે. તેવામાં પોલીસની કામગીરી અને નાગરિકોના રક્ષણ સામે અનેક સવાલો છેડાયા છે. ત્યારે હવે બિહાર જેવા સંજોગો જોવા મળી રહ્યા છે. તેવા મહેસાણા જિલ્લામાં લૂંટ-ફાટ, ચોરી, હત્યા અને આત્મહત્યા માટે દુષપ્રેરણા તો ખંડણી અને છેતરપિંડીની ઘટનાઓ પણ સતત જોવા મળી રહી છે. જોકે, આજે વિસનગર તાલુકાના ભાલક ગામે વહેલી સવારે ખેતરમાં એક વૃક્ષ પર એક યુવકનો મૃતદેહ દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક યુવકના બંને હાથ પણ પીઠ પાછળ બાંધેલા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે સ્થાનિકોએ વિસનગર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
હત્યાની આશંકાઓ પ્રવર્તી છે
ભાલક ગામે વૃક્ષ પર લટકતી લાશ મામલે પોલીસે પૂછપરછ કરતા મૃતક યુવક નજીકમાં આવેલા વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિકોએ મૃતદેહ જોયો ત્યારે મૃતકના બંને હાથ પીઠ પાછળ બાંધેલા હતા. આ યુવકે આત્મહત્યા નહીં, પરંતુ તેની હત્યા કરાઈ હોવાની આશંકાઓ પ્રવર્તી છે. જોકે, પોલીસ દ્વારા ગિરીશ પટેલના મોત મામલે કોઇ પણ માહિતી આપવામાં આવી નથી. ત્યારે યોગ્ય તપાસ બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ શકે છે.