- અઢી વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં કરાયેલ વધારો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યો
- 5203 ને બદલે 9000 સ્ટાઈપેન્ડ કરાયું છે છતાં નથી મળતી પુરી રકમ
- રાષ્ટ્ર, સમાજ અને શિક્ષણ વિકાસનાં નામે માત્ર ગોટાળા જ જોવા મળ્યા!
મહેસાણા: દેશનું ભાવિ વિદ્યાર્થીઓને માનવામાં આવે છે. માટે જ શિક્ષણમાં રાજનીતિ કે અનૈતિકતાને મહાપુરુષોએ વખોડી છે. તેમ છતાં આજનાં સંજોગોમાં શિક્ષણ કાર્યમાં નૈતિકતા જોવા મળતી નથી. હોમિયોપેથી વિષયમાં અભ્યાસ કરતા રાજ્યનાં વિદ્યાર્થીઓની કે જેઓને સરકાર અભ્યાસ દરમિયાન માસિક 5203 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવા છે. આમ, દરેક કોર્ષ માટે સરકાર વિદ્યાર્થીઓને નિયત કરેલ સ્ટાઈપેન્ડ અભ્યાસ કાર્યમાં આર્થિક મદદ પુરી પાડે છે. જોકે તાજેતરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ધ્યાને આવેલ બાબતે શૈક્ષણિક કાર્યમાં સ્ટાઈપેન્ડ બાબતે પોલમપોલ ચાલતી હોવાની વાત સામે આવતા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
સરકારે રૂપિયા 9000નું સ્ટાઈપેન્ડ પેટે આપવાનું નક્કી કર્યું હતુ, મળે છે માત્ર 5203 રૂપિયા
મહેસાણા સહિત રાજ્યમાં આવેલ ચાર હોમિયોપેથી કોલેજોમાં વિદ્યાર્થીઓને દર મહિને 5302 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જોકે, સરકારે નક્કી કર્યા મુજબ 1 એપ્રિલ 2018થી સ્ટાઈપેન્ડની પોલિસીમાં ફેરફાર કર્યા બાદ દર મહિને રૂ.9000 સ્ટાઈપેન્ડ આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ સ્ટાઈપેન્ડની રકમમાં કોઈ વધારો કરાયો નથી. તેઓને જૂની રકમ મુજબ દર મહિને 5302 સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે. ત્યારે અહીં સવાલ એ છે કે વિદ્યાર્થીઓનો હક શા માટે તેમના સુધી પહોંચ્યો નથી?
વિદ્યાર્થી સંઘઠન સાથે મળી વિદ્યાર્થીઓએ કલેકટરને કરી રજૂઆત
સ્ટાઈપેન્ડની રકમમાં ગોટાળો થયો હોવાની બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંગઠન ABVPને રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે કોલેજ સત્તાધીશોને પૂછવામાં આવતા તેઓએ સરકારે સ્ટાઈપેન્ડ વધારા માટે કોઈ પરિપત્ર કર્યો નથી, તેમ કહીને વિદ્યાર્થીઓનાં પ્રશ્નને ઠારી મુક્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ સાથે ખોટું થતું હોવાને લઇ ABVP અને કોલેજના વિદ્યાર્થીઓ ભેગા મળી મહેસાણા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે અને વિદ્યાર્થીઓને વહેલી તકે ન્યાય મળે તે માટે ધ્યાન દોરવામાં આવ્યું છે.