- નાયબ મુખ્યપ્રધાને સૂચના આપતા કામ શરૂ કરાયું
- 50 સોસાયટીઓનાં રહિશોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી આશા
- મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થતાં 2 વર્ષ લાગે તેવી શક્યતાઓ
ઉત્તરાયણ પહેલાં નર્મદાનું પાણી પહોંચતું કરાશે
ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, માનવ આશ્રમ વિસ્તારના લોકોની નર્મદાનાં પાણીની માંગણી હતી. ઉત્તરાયણ પહેલાં આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળતું થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. હાલ 900 મીટરનાં અંતરમાં પાઇપલાઇન નંખાઇ રહી છે. મહેસાણામાં માનવ આશ્રમ વિસ્તારની 50 સોસાયટીઓને નર્મદાનું પાણી અપાશે. 900 મીટરની પાઇપલાઇનની કામગીરી વચ્ચે હાલ બોર તેમજ નર્મદાનું પાણી મિક્ષ કરીને અપાશે. અગાઉ દેદિયાસણથી નર્મદાનું પાણી માનવ આશ્રમ સુધી પહોંચાડવાના પ્રયાસમાં અંતર વધી જતાં શક્ય બન્યું નહોતું. હવે, નાગલપુર રોડ પર શબરી સ્કૂલથી નિલકંઠ મહાદેવ મંદિર સુધી 900 મીટર અંતરમાં પાઇપલાઇન નખાઇ રહી છે. અમૃત યોજનામાં આ કામ થઇ રહ્યું છે અને કલકત્તાથી પાઇપો આવી જતાં સંભવત: ચારથી પાંચ દિવસમાં લાઇન તૈયાર થઇ જશે.