ગુજરાત

gujarat

ETV Bharat / state

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી જોવા મળશે - The world famous Sun Temple of Modhera

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે.

મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી
મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી

By

Published : Jan 22, 2021, 5:18 PM IST

  • પ્રજાસત્તાક પર્વની પરેડમાં સૂર્યમંદિરની ઝાંખી જોવા મળશે
  • આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો
  • દિલ્લી રાજપથ પર આકર્ષણનું કેન્દ્ર બનશે મોઢેરા સુર્યમંદિરની ઝાંખી દર્શાવતું ટેબ્લો

મહેસાણાઃ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી આ ટેબ્લોને સજાવ્યો છે. દર વર્ષે 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરાય છે.

મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી

ઉત્તર ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર છે જગવિખ્યાત

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં 1026-27માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું, જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે. મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના પર સપ્તાહના પ્રતિક સમા ૫૨ નકશીદાર સ્તંભો છે, જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે, જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યાં છે.

મોઢેરાના સૂર્યમંદિરની ઝાંખી

શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરની ઝાંખી દર્શાવતો ટેબ્લો બનાવ્યો

ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્ષ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલ.ઈ.ડી. ફ્લડ લાઈટ્‌સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે.

12 મહિલા કલાકાર ટિપ્પણી નૃત્ય રજૂ કરશે

મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે 12 મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. "સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા..." એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.

60 કલાકારો દ્વારા આ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો

માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિની કુમાર અને માહિતી નિયામક અશોક કાલરિયાના માર્ગદર્શન હેઠળ અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક પંકજ મોદી અને હિરેન ભટ્ટ તથા સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ.ના સિદ્ધેશ્વર કાનુગા અને તેમની ટીમે ટેબ્લો તૈયાર કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. શિલ્પકાર, ચિત્રકાર, ફેબ્રિકેટર, મિસ્ત્રી અને અન્ય કારીગરો સહિત 60 જેટલા કલાકારો અત્યારે નવી દિલ્હીમાં આ ટેબ્લોને આખરી ઓપ આપી રહ્યા છે. સૂર્યમંદિર જેવા જ આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી ગુજરાતનો ટેબ્લો નવી દિલ્હીના રાજપથની શોભા વધારશે.

ABOUT THE AUTHOR

...view details