મહેસાણામાં આવેલા વિસનગર તાલુકાના ભાંડું ગામની જ્યોતિબા કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષિય યુવતીએ રિસેસ બાદ પોતાની હોસ્ટેલમાં જઈને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે રિસેસ બાદ યુવતી કોલેજમાં પરત ન આવતા તેની સખીઓએ હોસ્ટેલના રૂમ પર તપાસ કરી હતી. દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો કે, બારીમાંથી જોતા યુવતી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને પગલે કેમ્પસ ડાયરેક્ટર અને વિસનગર તાલુકા પોલીસ દોડી આવતા તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસને અંતે યુવતીના મોત મામલે સ્થળ પરથી કોઇ પ્રકારના પુરાવા ન મળી આવતા પોલીસે તાપીના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં રહેતા મૃતક યુવતીના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવીને હાલમાં યુવતીના મોતને આકસ્મિક મોતની ઘટના દર્શાવી છે. આ અંગે યુવતીના પિતાએ કોલેજ સંચાલકો સામે આક્ષેપ કરતા યુવતીએ કોલેજમાં હોસ્ટેલ ફી ન ભરી હોવાને કારણે વારંવાર દબાણ કરાતું હોવાથી આ પગલું ભર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.