મહેસાણાઃ અરે આ બે બાળકો મોબાઈલ હાથમાં લઈ અંતરિક્ષ તરફ શું કરી રહ્યા છે, તમને આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય જરૂર થતું હશે. તમને જણાવી દઈએ કે, આ દ્રશ્યો છે ઊંઝા તાલુકામાં આવેલા ગંગાપુર ગામના... જ્યાં આજે ડિજિટલ ઇન્ડિયાની હોડમાં આ ગામ મોબાઇલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સેવાથી પાછળ રહી ગયા છે.
કોરોના મહામારીના લીધે સરકારે ઓનલાઇન શિક્ષણની જાહેરાત કરી હતી
- ગામડાંના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ નેટવર્કની અગવડતા
- નેટવર્ક નહીં મળતા ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ
- મહેસાણા જિલ્લાના ગામડાઓમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા
આજે કોરોના વાઇરસની મહામારી સમયે શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવવા આ રીતે નેટવર્ક માટે વલખા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓના ઘર કે ગામમાં ઈન્ટરનેટ કે ફોન નેટવર્કની કનેક્ટિવિટી મળતી ન હોવાથી આજે આ બાળકોને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે બોર્ડ જેવી અતિ આવશ્યક પરીક્ષાની તૈયારી માટે નેટર્વક ન આવતા મજબૂરીમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા રહ્યા છે. આખરે શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી તેમજ ઓનલાઈન શિક્ષણ માટે કનેક્ટિવિટી ન મળતા ગંગાપુર ગામ સહિતના વિદ્યાર્થીઓ ભારે પરેશાની અને મુંજવણ અનુભવી રહ્યા છે.
ગંગાપુર ગામના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત ગંગાપુર ગામમાં ઈન્ટરનેટ તો ઠીક પરંતુ ટેલિફોનિક વાતચીત માટે પણ ઘરના બહાર ગામના ગોંદરે જવું પડતું હોવાનો ઇતિહાસ બન્યો છે. આજના દિવસોમાં પણ ગ્રામજનો પોતાના ફોનમાં કનેક્ટિવિટીના અભાવે ફોનનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે વાલીઓ પણ સરકાર પાસે ગામમાં ફોન નેટવર્ક અને ઇન્ટરનેટની સારી કનેક્ટિવિટી માટે માગ કરી રહ્યા છે.