વિસનગર D.Y.S.P એમ.બી. વ્યાસની સ્કવોડ ગત 18 ઓગસ્ટે સવારે 7.30 વાગ્યે પેટ્રોલીંગમાં હતી, જે સમયે વિસનગરની વેવે હોટલ પાસેથી પસાર થયેલી કારમાં બુટલેગર બદાજીનો વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ પુત્ર વિક્રમજી ચલાવતો જોઇ પોલીસે તેનો પીછો કરતાં તે વડનગર તરફ ભાગ્યો હતો. જેમાં વડપુરા ગામના તળાવ પાસે પોલીસની ગાડી પલટી ખાઇ જતાં પોલીસકર્મીઓને ઇજા થઇ હતી.
વોન્ટેડ બુલેગર સાથે કારમાં ફરતા મહેસાણા SOGના 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ - ગુજરાત પોલીસ
મહેસાણા: પાંચ દિવસ પૂર્વે વિસનગર પોલીસ સ્ટેશનના વોન્ટેડ બુટલેગરનો પીછો કરતાં વિસનગર D.Y.S.Pના સ્કવોડની ગાડી વડપુરા ગામના તળાવ પાસે પલટી ખાઇ ગઇ હતી. જેમાં S.Pએ શુક્રવારે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.
ગાડી ઉભી રાખીને નીચે ઉતરેલા વિક્રમજીની સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને જોઇ ઇજાગ્રસ્ત પોલીસ વિચારમાં મુકાઇ હતી. આ સંબંધે D.Y.S.Pને રિપોર્ટ કર્યો હતો. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઇ રેન્જ આઇ.જી એ આ મામલે ઇન્કવાયરી સોંપી હતી. જેનો રિપોર્ટ મળતાં એસ.પી નિલેશ જાજડીયાએ બનાવ સમયે બુટલેગર સાથે હાજર મળેલા મહેશ લવજી ચૌધરી, કિરણજી ઉધાજી ઠાકોર, શૈલેશ ચૌધરી અને ભરત દેસાઇને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો.
આ સમગ્ર ઘટના વિસનગર DYSPની હદમાં અને જાણ માં બની હોવા છતાં ઇટી.વી. ભારત ની ટીમે ઘટનાની હકીકત પૂછતાં DYSP એમ.બી.વ્યાસે ઢાંકપિછોડો કરી પોલીસની લૂંટાયેલી આબરૂ સાચવવા પ્રયાસ કર્યો હતો. વિસનગર DYSP તરીકે એમ.બી.વ્યાસે ચાર્જ સંભળાતા જ વિસ્તારના બુટલેગરો બેફામ બન્યાં છે. જેઓ પોલીસ કર્મીઓ સાથે સારા સબંધ ધરાવતા હોવાની આ પહેલી નહિ પરંતુ અગાઉ પણ ત્રણ પોલીસ કર્મીઓ DYSP એમ.બી. વ્યાસના રાજમાં જુગાર અને નશાના વેપારમાં રસ લેતા રંગે હાથ ઝડપાયા છે. વિસનગર પોલીસ ડિવિઝનમાં વ્યાપેલી બદીઓ દૂર કરવા ગૃહ વિભાગ કોઈ ચોક્કસ પગલાં લેશે કે માત્ર નાના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી સંતોષ માની લેશે...!