મહેસાણા: લોકડાઉનના અમલ માટે કડી પોલીસે બીજા પ્રાઇવેટ વાહનો ભાડે રાખી પેટ્રોલિંગ ચાલુ કર્યું છે. ત્યારે રવિવારની મોડી રાત્રે ઘર બહાર પડેલી ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા ચકચાર મચી ગયી છે. કડી પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદથી ગુનેગારોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી - મહેસાણા લોકડાઉન
લોકડાઉનમાં પેટ્રોલિંગ માટે પોલીસે ઉપયોગમાં લીધેલા ખાનગી વાહનને અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી. કડી પી.આઈ.ને લઈને બંદોબસ્તમાં ફરતી ગાડીને રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ આગ લગાડી હતી.
નાનીકડી વિસ્તારમાં આવેલી અનમોલ વિલા સોસાયટીમાં રહેતા અલ્પેશ ચંદુભાઈ પટેલની ફોરચુનર ગાડી GJ 01 RA 1212 નંબરની ગાડીમાં રવિવારે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહી છાંટીને ગાડીના આગળ તથા પાછળ ડાબી બાજુના ટાયરો તેમજ અંદરની સીટ ઉપર આગ લગાડી દેતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાં આશરે 6 લાખ જેટલું નુકસાન થયું હોવાની કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ગતિવિધિ તેજ કરી છે.