- કોરોના રસી માટે યોજાઈ ડ્રાય રન
- 5 સ્થળોએ યોજાઈ ડ્રાય રન
- જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ડ્રાય રનનું કર્યું નિરીક્ષણ
મહેસાણાઃ સમગ્ર દેશ કોરોના વેક્સિનનું આતુરતાથી રાહ જોઇ રહ્યુ છે. ત્યારે કોરોના વેક્સિન જનસમાન્ય સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુઆોજીત કામ થઇ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં વિવિધ પાંચ સ્થળોએ ડ્રાય રન એટલે કે વેક્સિન કામગીરીની ડ્રાયરન-મોકડ્રીલ યોજાઇ હતી. જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંચ, સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા, તાલુકા પ્રાથમિક કુમાર શાળા નં-1 હૈદરી ચોક અને પ્રાથમિક કુમાર શાળા ખેરવામાં ડ્રાય રન યોજાઈ હતી. જિલ્લામાં યોજાયેલી ડ્રાય રનમાં 125 આરોગ્ય કર્મીઓને રસી આપવાની મોકડ્રીલ કરાઇ હતી. જિલ્લામાં ખેરવા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને લીંચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી ઉપસ્થિત રહી ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું હતું.
કોરોના રસી માટે યોજાઈ ડ્રાય રન DDO દ્વારા ડ્રાયરનના તમામ સ્થળે રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો ચિતાર મેળવ્યો
જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા વિવિધ સ્થળોએ ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેક્સિનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણય શક્તિ સહિતની દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેક્સિનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યાં હતા.
કોરોના રસી માટે યોજાઈ ડ્રાય રન ઓળખપત્ર બતાવી રસીકરણ કરવામાં આવનાર છે
આ ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયા વિગતે જોઇએ તો ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલાને વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલા હોય છે. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. ત્યાર બાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનું વેક્સિનેસન માટે અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે.
4.85 લાખ લોકોને રસી આપવાનું કરાયું છે આયોજન
આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલા દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાતા વેક્સિન લેનાર વ્યક્તિને તત્કાલ સારવાર આપવાની વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લામાં અંદાજીત 4.85 લાખ લોકોને પ્રથમ ચરણમાં રસી આપવાનું આયોજન કરાયું છે. જેમાં આશરે 15 હજાર આરોગ્ય કર્મીઓ ખાનગી અને સરકારી, 14 હજાર ફ્રન્ટલાઇન વર્કરો, 4.41 લાખ 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ અને 11 હજાર 50 વર્ષથી નીચે પણ હયાત રોગથી પીડાતી વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓને પ્રથમ તબક્કામાં તબક્કાવાર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન પાર પડાયું
મહેસાણા જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણું પટેલ સહિત આરોગ્યના અધિકારીઓ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા સમગ્ર ડ્રાય રનનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.