- કોરોના ગાઇડલાઇન્સનું પાલન મહેસાણા પોલીસ માટે પડકાર!
- જાહેર જનતા અને પોલીસ વચ્ચે રોજ ઘર્ષણ
- માસ્ક મુદ્દે પોલીસ અને જનતા આમને સામને
મહેસાણા: મહેસાણાના મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં માસ્કના નિયમના પાલન મુદ્દે પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે લોકોને ફટકાર્યા પણ હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના અધકારી અને ડિવિઝન અધિકારીને પૂછતાં તેઓ આ મામલે અજાણ હોવાની વિગતો સામે આવી હતી.
વાઇરલ વીડિયોના જુદા જુદા દાવા વચ્ચે પોલીસ અજ્ઞાત
મહેસાણા વિસ્તારમાં સોશીયલ મીડિયા પર છેલ્લા 2 દિવસમાં પોલીસ અને લોકો વચ્ચે તકરારની બે ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા જેમાંથી એક દુકાનદાર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ છે. તેવામાં આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પરનો છે જેમાં કોઈ બે વ્યક્તિઓએ પોલીસની વેનમાં પોલીસ કર્મીઓએ માસ્ક ન પહેરેલો હોવાનો વીડિયો બનાવતા પોલીસ કર્મીઓએ ગુસ્સે ભરાઈ તે બે વ્યક્તિઓ સાથે તકરાર કરી હતી. ઉપરાંત પોલીસે તેમને માર પણ માર્યો હતો. પોલીસ કર્મીઓ ગણવેશમાં પણ ન હતા. આ તમામ વાતો અને વાઇરલ વીડિયો મેસેજ બાદ પણ હજુ સુધી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે કોઈ પ્રકારની ઘટના નોંધાઇ નથી. તેમજ પોલીસ દ્વારા પણ આ બાબતથી અજાણ હોવાનું જણાવતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.