ગુજરાત

gujarat

ETV Bharat / state

ATSએ 16 વર્ષે કડી મંદિરમાં 4 લોકોની હત્યા કરી 15 લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો - ATS solved the crime of killing 4 people in Kadi

કડીના મહાકાળી મંદિરમાં ચાર લોકોની હત્યા કરી 15 લાખની લૂંટના ગુનાનો ભેદ 16 વર્ષે ATSની ટીમે ઉકેલ્યો છે. આરોપી 2004માં મંદિરમાં 4 લોકોની હત્યા કરી 15 લાખની લૂંટ કરી ફરાર થયો હતો. 16 વર્ષ બાદ આરોપી દિલ્હીથી ઝડપાયો છે.

આરોપી
આરોપી

By

Published : Aug 14, 2020, 1:37 PM IST

મહેસાણા: કડીના ઉટવા ગામે આવેલા મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી, સાધ્વી સહિત 4 લોકોની 16 વર્ષ પહેલા બેરહમીપૂર્વક હત્યા કરી રૂપિયા 15 લાખની લૂંટ ચલાવી દંપતી ફરાર થઈ ગયું હતું. હત્યા અને લૂંટના ચકચારી બનાવમાં 16 વર્ષે (ATS) ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે હત્યા અને લૂંટના મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે. હત્યાના ચકચારી બનાવના આરોપીઓને ઝડપી લેવા રાજ્ય સરકારે રૂપિયા 51 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

કડીના ઉટવા ગામે આવેલા મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી ચીમનભાઈ સોમચંદભાઈ પટેલ (ઉંમર વર્ષ- 70) 2003માં પુત્રવધુ સુધાબહેન સાથે અમેરિકાથી આવ્યા હતાં. મહાકાળી મંદિરમાં પૂજા પાઠ કરવા માટે સાધ્વી સમતાનંદ પૂર્ણાનંદ પણ રહેતા હતા. આ ઉપરાંત ભુજના કરમણભાઈ પટેલ મંદિરના અન્ય કામકાજ સંભાળતા અને રાજસ્થાનના મોહન વાઘજી લુહાર મંદિરમાં પથ્થરનું કામ કરતા હતાં.

સુધાબહેન પટેલ તારીખ 3 એપ્રિલ 2004નાં રોજ સવારે મંદિરમાં આવ્યા ત્યારે તેમના સસરા સહિત ચાર લોકોની હત્યા કરેલો મૃતદેહ પડ્યો હતો. મંદિરમાં રાખેલા રૂપિયા 15 લાખની લૂંટ ચલાવી આરોપી મહેન્દ્રસિંહ અને તેની પત્ની રાજકુમારી ફરાર થઈ ગયા હતાં. રાજ્ય સરકારે ચકચારી લૂંટ અને હત્યાના ગુનાના આરોપીને ઝડપી લેવા માટે રૂપિયા 51 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. જે તે સમયે સ્થળ પરથી હત્યામાં વપરાયેલું ધારીયું પોલીસને મળી આવ્યું હતુ.

16 વર્ષ બાદ પણ આરોપી દંપતી પકડાયું ન હોવાથી એટીએસ (ATS) ની ટીમે આ કેસમાં ઝપલાવ્યું હતું. એટીએસના પીઆઈ સી.આર.જાદવ, આર.કે.રાજપૂત, પીએસઆઇ કે.એમ.ભુવા., એમ.એસ.ત્રિવેદી, એસ.એમ.સોની, બી.બી.વણઝારા અને કોન્સ્ટેબલ મહેશ ચાવડા આરોપીઓને ઝડપી લેવા તપાસ કરી રહ્યાં હતાં.


પોલીસને બાતમી મળી કે આ ગુનાનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફ ગોવિંદસિંહ દિલ્હીમાં નામ અને રહેણાંક બદલીને છુપાતો ફરે છે. જે આધારે આરોપીનું ટેક્નિકલ સર્વેલન્સ રાખી પોલીસે મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના સીમથરા ગામના રહેવાસી ગોવિંદસિંહ નંદરામ યાદવને દિલ્હીથી ઝડપી લીધો હતો.

ગોવિંદસિંહ દિલ્હીમાં કોન્ટ્રકટર તરીકે કામ કરતો જ્યારે તેની પત્ની રાજકુમારી ટી સ્ટોલ ચલાવતી હતી. ગોવિદસિંહએ ત્રણ લગ્ન કર્યા છે. જેમાં હત્યાના ગુનામાં સંડોવાયેલી રાજકુમારી ઉર્ફે ડિસ્કો તેની ત્રીજી પત્ની છે. ગોવિંદસિંહને બીજી પત્નીથી એક પુત્ર રોહિત છે. જે પિતા સાથે રહેતો અને બોલેરો ગાડી ચલાવે છે.

ગોવિંદસિંહ એટલો શાતિર હતો કે, તેને હત્યા માટે ધારીયું ખરીદ્યું હતું તે જગ્યાએ પણ પોતાનું નામ ખોટું આપ્યું હતું. આ ઉપરાંત હત્યા બાદ આરોપીએ જુદા-જુદા સ્થળે ચોકીદાર, ગાર્ડની નોકરી કરી ત્યાં પણ નામ બદલતો રહેતો હતો. આરોપી વિરૂદ્ધ તેના વતનમાં પણ મારામારીનાં બે ગંભીર ગુના દાખલ થયેલા છે.

ABOUT THE AUTHOR

...view details