- આરોગ્ય પ્રધાનના હોમ ટાઉનમાં જ રેમડેસીવીર ઈન્જેક્શનનો કાળાબજાર ઝડપાયો
- પોલીસે બાતમી આધારે દરોડા પાડતા 3 ઈન્જેક્શન સાથે નર્સ મળી આવી
- 5,400 રૂપિયાની કિંમતના ઈન્જેક્શનના 10 કે 15,000નો ભાવ વસુલતી હતી નર્સ
- પોલીસ તપાસનો રેલો રિધમ હોસ્પિટલ સહિત નર્સને ઈન્જેક્શન આપનાર સુધી પહોંચશે
મહેસાણાઃ જિલ્લાના કડીમાં રેમડેસીવીર ઈન્જેક્શનના કાળા બજારીની માહિતી સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. આ સાથે જ આ ઈન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસે આ મામલે રિધમ હોસ્પિટલમાં કામ કરતી નર્સ ગુડ્ડી રાજપૂતની ધરપકડ કરી છે. આ ગુડ્ડી રાજપૂત ઈન્જેક્શનની શિશિ પર પ્રિન્ટ કરેલ કિંમત અને એક્સપાયરી ડેટ પર નવું સ્ટીકર લગાવીને ઈન્જેક્શન લેવા આવતા લોકો સાથે છેતરપિંડી કરતી હતી.
કોરોના મહામારી દરમિયાન દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઈન્જેક્શન મદદરૂપ છે. તેવામાં આ ઈન્જેક્શનની કાળા બજારી પણ વધી છે. હવે કડીમાં આવેલી રિધમ હોસ્પિટલના સ્ટાફ ગુડ્ડી રાજપૂત લોકોને છેતરતી ઝડપાઈ છે. ગુડ્ડી રાજપૂત 4,500ની કિંમતના રેમડેસીવીર ઈન્જેક્શન લોકોને 10,000થી 15,000 રૂપિયામાં વેચતી હતી. આ સાથે જ ગુડ્ડી રાજપૂત લોકોનો જીવ પણ જોખમમાં મુકતી હતી. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા રિધમ હોસ્પિટલ, નર્સ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.