મહેસાણાઃ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થામાં કડવા પાટીદારોના કુળદેવી એવા ઉમિયા માતાજી બિરાજમાન છે. આ ધાર્મિક જગ્યા લાખો ભાવિ ભક્તો માટે આસ્થાનું સ્થાન બનેલું છે. જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવતા હોય છે. ત્યારે આજે આ ધાર્મિક સ્થાન ધાર્મિક સાથે સામાજિક સેવાકાર્યો માટે પણ મહત્વનું સ્થાન બન્યું છે. અહીં સંસ્થા દ્વારા કુરિવાજો અને ખર્ચાળ પ્રથાઓથી સમાજને સાચી દિશા ચીંધી અને સમૂહ લગ્ન, વિધવા અને ત્યકતા મહિલાઓને પુનઃલગ્ન કરાવવા, કન્યા છાત્રાલયને મદદ પૂરી પાડવી, જન આરોગ્ય માટે નિદાન કેમ્પો કરવા, પથિકા આશ્રમોનો વિકાસ કરવો, ઊંઝાના ખેડૂતોને આકસ્મિક ક્ષણે આર્થિક મદદ કરવી, આપત્તિ કે હોનારત સમયે સમાજના પીડિતોને આર્થિક મદદ પૂરી પાડવી સહિતના 24 જેટલા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.
માનવ સેવા એજ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરતું ઉમિયા માતાજી સંસ્થાન, 24 જેટલી સામજિક સેવાઓને વેગ આપ્યો - ઊંઝા
કહેવાયું છે કે, માનવ સેવા એજ પ્રભુ સેવા. ત્યારે આ ઉક્તિને સાર્થક કરતા મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા માત્ર ધાર્મિક પરંતુ વ્યક્તિગત અને સામાજિક રીતે મદદરૂપ નિવડે તેવી 24 જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા અત્યાર સુધી કન્યાઓ માટે 1 લાખ પાનેતરનું દાન કરવામાં આવ્યું છે તો, શિક્ષણમાં સમાજના ઉતકર્ષ માટે 20 કરોડ 54 લાખ ઉપરાંતની વગર વ્યાજે આર્થિક લૉન વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, બીજી તરફ વિધવા બહેનોને આત્મનિર્ભર બનવા 12 કરોડ 31 લાખ ઉપરાંતની સહાય પૂરી પાડવામાં આવી છે, આમ આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 47.77 કરોડ સુધીની આર્થિક સહાય સામાજિક સેવા અને સામાજિક વિકાસ માટે કરવામાં આવ્યો છે. બુધવારના રોજ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ધાર્મિક સાથે સામાજિક પ્રવૃતિઓના આ કાર્યોને જોતા સાચા અર્થમાં અહીં સેવાનો સાગર જોવા મળી રહ્યો છે.