લુણાવાડાઃ સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વસતા પરિવારો માટે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેના થકી સુજલામ સુફલામ જળ સંચય યોજનાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ ઊંડાણ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુજલામ સુફલામ જળસંચય યોજના થકી મહાત્મા ગાંધી રોજગાર બાંયધરી યોજનાના કામો દ્વારા શ્રમિકોને રોજગારી આપવામાંં આવશે.
સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત મનરેગા થકી અંતરિયાળ વિસ્તારમાં કડાણા તાલુકાના ભુલ ગામે આવેલ સિંચાઈ તળાવ અને કોયા તળાવ આમ બંને તળાવો ઉંડા કરવાની કામગીરી હાલમાં કાર્યરત છે. આ બંને તળાવો ઉંડા થતા તેમાંથી 6050 ઘન મીટર માટી કાઢવામાં આવશે. જેનાથી આ તળાવમાં 60.50 લાખ લીટર પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજીત રૂપિયા 11.72 લાખનો ખર્ચ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 3270 ઘનમીટર માટીનું ખોદાણ કરવામાં આવેલ છે. જેમાં 163 જેટલા શ્રમિકોને 4196 માનવ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે અને રૂપિયા 6.32 લાખનો ખર્ચ કરી કોરોનાનાં કપરા કાળમાં ઘેર બેઠા રોજગારી પૂરી પાડી રોજનું પેટીયું રળી જીવન ગુજરાન ચલાવતાં શ્રમિક પરિવારો માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે.