મહીસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની - Water problem
મહીસાગરઃ જિલ્લામાં ખૂબ ઓછા વરસાદ પડ્યા છે, જેને કારણે તળાવ, કુવા, નદીઓ અને જળાશયોના સ્તર નીચા ગયા છે, અને પાણીની આવક પુરતા પ્રમાણમાં થઇ નથી. જેથી જગતના તાતની મુશ્કેલીમાં વઘારો થયો છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સુરજ દાદા આગ વરસાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને તેમના ઉનાળુ પાક માટે અમૃત સમાન પાણી ન મળતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનાં ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે. આગામી ઉનાળો ખેડૂતો માટે ભયંકર જળસંકટની કટોકટી સર્જાશે તેવું દેખાઈ રહ્યું છે. હાલ ઉનાળાના સમયમાં મોટાભાગની નદીઓ અને તળાવોમાં પાણીનો જથ્થો નહિવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા કડાણાડેમમાંથી પણ આવનારા દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળી શકે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પીવાના પાણી માટે તેમજ પશુ માટે ઘાસચારો ઉગાડવો તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે.