મહીસાગર: રાવણની શિવભક્તિની પરાકાષ્ઠા સાથે જોડાયલી લોકવાયકાની એક કથા અને તેના નામ સાથે જોડાયેલુ એક તંતુવાદ્ય રાવણહથ્થો લોકકલાકારોમાં જીવને શિવ તરફ પ્રયાણ કરાવતા પ્રાકૃતિક ગાનમાં આગવું મહત્વ ધરાવે છે. લોકસંગીત ગાયન વાદનની કળા લોકજીવનનું આગવું અંગ છે. લોકસંગીતમાં વિવિધ વાદ્યોમાં રાવણના નામ સાથે જોડાયેલુ તંતુ વાદ્ય એટલે રાવણ હથ્થો.
મહીસાગરમાં વિસરાતી જતી રાવણ હથ્થા વાદનની કળાને જીવંત રાખનાર કલાકાર વિજાનંદ - તંતુવાદ્ય રાવણહથ્થો
આદિકાળથી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોકવાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકામાંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સાથેનો અવિરત સંગમ વિકસ્યો. જન્મથી મૃત્યુ સુધીની જીવન યાત્રામાં અનેક પ્રસંગે, વારે-તહેવારે, મેળા, મેળાવડામાં, જોડાયેલું સંગીત એટલે ગુજરાતનું લોક સંગીત જેમાં તાલ વાદ્યો છે, તંતુ વાદ્યો છે, સ્વર વાદ્યો છે. પ્રકૃતિમાં અવિરત ચાલતા મહોત્સવમાં માનવીએ પણ પોતાનો જે સ્વર પૂરાવ્યો એ લોક સંગીત છે. આવા જ એક તંતુવાદ્ય રાવણ હથ્થાની વાત આપણે જાણીએ...
લોકપરંપરાની વિસરાતી જતી રાવણહથ્થા વાદનની આ કળાને લોકકલાકારો ઊંડાણ અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ સાચવીને બેઠા છે. તેવા જ મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે. તેમણે રાવણ હથ્થાની કળાના કારણે ખૂબ પ્રશંસા મેળવી છે. ક્રમશ: એ ગ્રેડના કલાકાર તરીકે સ્થાન મેળવવા સાથે આ ક્ષેત્રમાં અનેક પ્રમાણપત્રો મેળવ્યા છે. આકાશવાણી,દૂરદર્શનના કાર્યક્રમોમાં ઉપરાંત રાવણ હથ્થાના કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં તેમજ રાવણહથ્થાના તજજ્ઞ તરીકે સેવા આપી ચૂકયા છે. આ કળાના રસિકોના વર્કશોપમાં કલાપ્રેમીઓને રાવણ હથ્થા વાદનનું શિક્ષણ આપે છે.
બાળપણથી પિતાએ વારસામાં આપેલી આ કળાને સાચવી રાખતા પોતાના પરિવારના બાળકોને પણ રાવણહથ્થાનું શિક્ષણ આપે છે. આવા કલાકારોના કારણે આજે પણ પરંપરાગત કળા સચવાઇ રહી છે. વિજાનંદ પોતાની સાથે મહીસાગર જિલ્લામાં વિવિધ ગામોમાં પરંપરાગત કળા આધારિત જીવન ગુજારતા વિવિધ ગામના કલાકારો વિશે પણ વાત કરે છે. ભક્તિસંગીતના કાર્યક્રમો ભજનો ગાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે. રાવણહથ્થા નામની સાથે જોડાયેલી શિવભકત રાવણની ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતી કહાની રજૂ કરે છે. વિવિધ ગીતો સૂરતાલ સાથે વિજાનંદ રાવણ હથ્થાના તાલ સાથે રમમાણ થઈ જતો એકરૂપ થઈ જતાં સૂરાવલિઓમાં મધુર સંગીત છેડે છે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગઅને માહિતી પ્રસારણ વિભાગ દ્વારા આ પરંપરાગત લોકવાદ્ય કલાને જીવંત રાખવાનો પ્રયાસો કરવામાં આવે છે. આમ સમાજમાં આ કલાને જીવંત રાખવા ભરપૂર પ્રયાસ કરાયાં છે.