જ્યારે કોઇ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ઉત્સવ અને આનંદના વાતાવરણ નિર્માણ થાય છે. પરંતુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રાયણીયા ગામે બાબુભાઈના ઘરે બાળકનો જન્મ થયો તે સમયે પરિવારમાં આનંદનું વાતાવરણ દુઃખમાં બદલાઇ ગયું હતું. કારણ કે, બાળકને જન્મજાત ન્યુરલ ટ્યુબની બિમારી હતી. જેમાં બાળકને જન્મની સાથે કમરના પાછલા ભાગે ગાંઠ હતી.
રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી વિરમની જીવલેણ જન્મજાત ન્યુરલ ટ્યુબની ખામી દૂર કરાઇ - જન્મજાત ન્યુરલ ટ્યુબ
મહીસાગર: સ્વસ્થ બાળ-સ્વસ્થ અને ગુજરાત-તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે બાળ આરોગ્યની ચિંતા કરી નાનપણથી જ બાળકોને અસાધ્ય રોગોથી બચાવવા માટે શાળા આરોગ્ય રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે. શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજ્ય સરકાર સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. જો કોઇ વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે સશક્ત હશે તો જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે શારિરીક સ્વસ્થતા જરૂરી છે. બાળકોએ ઇશ્વર સ્વરૂપ છે. તેને નિરોગી, તંદુરસ્ત, સ્વસ્થ બનાવવાનો આ સેવાયજ્ઞ જનસેવાનું અદકેરું અભિયાન છે. તેથી નાનપણથી જ તે સ્વસ્થ રહે, મસ્ત રહે અને વિકાસ રૂંધાય નહીં એવી નેમ સાથે આ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
બાબુભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, તેઓ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના દિકરા વિરમને જન્મજાત ન્યુરલ ટ્યુબની ખામી હતી. આ સમયે નિઃસહાય બનેલ પરિવારને બાળકના સારવારની ચિંતા સતાવતી હતી. તેવા કપરાં સમયે રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને તેની જાણ થતાં તેઓએ હોસ્પિટલમાં અમારી મુલાકાત લીધી અને તેઓ બાળક સાથે અમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઇ ગયા હતા. જ્યાં અમારા બાળક વિરમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જેથી મારા બાળકની જીવલેણ જન્મજાત ન્યુરલ ટ્યુબ ખામી દુર થઇ છે.
બાબુભાઈએ ભાવુક થઇને આગળ જણાવ્યું કે, રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લીધે કોઇ પણ જાતના ખર્ચ વિના તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓના સાથ અને સહકારથી મારા બાળકની ખામી નિવારવામાં મદદ મળી. હવે મારૂં બાળક સારૂં જીવન જીવી શકશે. માટે હું આ કાર્યક્રમને બિરદાવું છું તેમજ સરકાર દ્વારા મારા બાળકને મળેલા લાભનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આજે મારૂં બાળક અન્ય બીજા બાળકોની જેમ જીવન જીવી રહ્યું છે, જે રાજ્ય સરકારને આભારી છે.