મુનપુર યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલના ઉદ્યોગ શિક્ષક અને ખેડૂત તેજસ પાઠક અવારનવાર શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી વિજ્ઞાન મેળાઓમાં અનેક નવીન પ્રયોગો શાળાના બાળકોને માર્ગદર્શિત કરી રજૂ કરે છે. તેમણે ખેતરમાં કમરથી વળીવળીને ખાતર મૂકતા થતી મુશ્કેલીઓ માંથી આ ખાતર મૂકવાના સાધનની શોધનો જન્મ થયો. તેમણે બે નંગ PVC પાઇપ,ક્લેમ્પ, રબર બેન્ડ તેમજ ઠંડા પીણાની ખાલી બોટલના ઉપયોગથી સામાન્ય ખર્ચમાં ખેડૂતોને ખાસ ઉપયોગી થઈ પડે તેવું ખાતર મૂકવાનું સાધન બનાવ્યું છે.
ખેડૂતે બનાવ્યું અનોખું યંત્ર તેજશભાઇએ જણાવ્યું કે, આપણા ખેતી પ્રધાન દેશમાં 70 ટકા લોકો ખેડૂતો છે. તેમાંથી 80 ટકા નાના અને શ્રીમાંત ખેડૂત છે. આધુનિક ભારતમાં ખેત ઓજારો પણ આજના સમયને અનુરૂપ આધુનિક હોવા જોઈએ. જો ખેડૂતનો વિકાસ તો દેશનો વિકાસ આ મંત્રને તેમજ જય જવાન જય કિસાનની સાથે અભિન્ન રીતે જોડાયેલ જય વિજ્ઞાનને સાર્થક કરવા આ ખાતર મૂકવાનું યંત્ર સામાન્ય ખર્ચમાં તૈયાર કર્યું છે. સરળ રીતે નહિવત ખર્ચમાંથી બનાવેલ આ સાધનની મદદથી ઓછા સમયમાં સરળતાથી યોગ્ય જગ્યાએ જરૂરિયાત મુજબનું ખાતર આપી શકાય છે.
પરંપરાગત રીતે ખાતર મૂકતાં આ સાધનથી 50 ટકા ખાતરનો બચાવ થાય છે. સાથે સાથે ચાર ખેત શ્રમિકોનું કામ એક જ વ્યક્તિ સરળતાથી કરી લે છે. ખર્ચ અને સમય વપરાશનો ઘટાડો થાય છે. સૌથી મહત્વની બાબત કમર, ખભો અને હાથના દુખાવામાંથી મુક્તિ મળે છે. આ યંત્ર મદદથી ખાતર મૂકવાનું જીવંત નિદર્શન નિહાળી રહેલા લુણાવાડા તાલુકાના વાણિયાવાળા ગોરાડા ગામના ખેડૂતોએ તેને ઘણું ઉપયોગી ગણાવ્યું અને આ સાધનની મદદથી શારીરિક શ્રમ, પીડા અને સમય બચાવીને સરળતાથી છોડને ખાતર મૂકી શકાશે. આ યંત્ર ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડશે તેમજ આ શોધકર્તા શિક્ષક અને ખેડૂતને અભિનંદન પાઠવ્યા હતા.
મહીસાગર જીલ્લામાં ઇનોવેટિવ ટીચર તરીકે સારી નામના ધરાવતા શિક્ષક તેજસ પાઠક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આયોજીત થતાં રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં સતત બે વર્ષથી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉપરાંત 2019-20નો જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. તેમણે ખેતીવાડી વિભાગના અને આત્મા પ્રોજેકટના અધિકારીઓનું માર્ગદર્શન મેળવી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ નવતર શોધ પહોંચે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. ખાતર મૂકવાનું સાધન ખેડૂતો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.