મહીસાગરઃ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી માતા અને બાળકોના સુપોષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પૂરક પોષણનો લાભ આપવાની સાથે છેક સગર્ભાવસ્થાથી તંદુરસ્ત બાળ જન્મ માટે લેવાની કાળજી અને તકેદારીનું માર્ગદર્શન આપવામાં આવે છે, તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલવણ વિસ્તારના કુલ 8 પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા પોષણ માસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આરોગ્ય કર્મીઓ દ્વારા સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, બાળકો અને કીશોરીઓને સોશિયલ ડિસ્ટન્સમાં જાળવી તેમજ ફરજીયાત માસ્કના ઉપયોગ સાથે સગર્ભાની તપાસ, જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન સ્તનપાનનું મહત્વ, 6 માસ પછી પૂરક આહાર, 1,000 દિવસ દરમિયાન બાળકની યોગ્ય કાળજી કેવી રીતે લેવી એનું પ્રશિક્ષણ, કિશોરીઓમાં પોષણનું મહત્વ વગેરે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.