મહીસાગર : જિલ્લામાં જુગારની બદી ફુલીફાલી છે, ત્યારે મહીસાગરના બાલાસિનોરમાંથી પોલીસે કુલ 21 જુગારીને પકડી પાડ્યા છે. પોલીસે 5,88,750ના મુદ્દામાલ સાથે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાલાસિનોરના કાજીવાડા એરીયામાં જુગાર રમાઈ રહ્યો હોવાની પોલીસને ગુપ્ત બાતમી મળતા બાલાસિનોર પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે કાજીવાડા એરીયામાં ઓચિંતો છાપો મારીને જુગાર રમી રહેલ 21 શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસના દરોડા :પંચમહાલ ગોધરા રેન્જ આઈજીપી તેમજ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટે પ્રોહી જુગારની પ્રવૃતીઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી માટે સુચના કરતા LCB અને સ્ટાફને સૂચના કરતા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી હકીકત મળેલી કે સલીમખાન હબીબખાન પઠાણ (રહે, બાલાસિનોર ખાટકીવાડ) તેમજ ટીના ભલાભાઇ ઠાકોર (રહે હવૈયા વાસ) ઇમામીયા નુરૂલ્લા પીરજાદાના બે માળના રહેણાક મકાનમાં કેટલાક માણસોને બેસાડી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
કેટલાક જુગારી નાસી ગયા : જે ચોક્કસ માહિતીના આધારે LCB સ્ટાફ તેમજ બાલાસિનોર પોલીસ સ્ટાફ સાથે રાખી બાતમી વાળી જગ્યાએ દરોડા કરતા કુલ 21 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જેથી તમામ શખ્સોએ પોતાના અંગત ફાયદા માટે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી કુલ 5,88,750 ના મુદ્દામાલ સાથે પકડાયા છે. તો બીજી તરફ અન્ય કેટલાક શખ્સો નાસી ગયા હોવાથી તેઓના વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.