પંચામૃત દુધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડાના સહયોગથી વેલણવાડા ગામની મહિલા પશુપાલક જાગૃતિબેને પટેલે 12 ગાયો સાથે મોટા તબેલાનું સાહસ પણ ખેડયું છે. આ મહિલા પશુપાલકની સિધ્ધિ છે કે, પશુપાલન વિભાગની યોજનાનો લાભ લઇને શ્વેત ક્રાંતી થકી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આ યોજના અંતર્ગત સ્વ રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના વર્ષ 2018/19 માટે મહીસાગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગ તથા પંચામૃત દૂધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા દ્વારા રૂા. 7 લાખની લોન મંજુર કરવામાં આવી હતી. જેમાં તેમને કેટલ શેડ, મળેલ લોનની વ્યાજમાં સહાય તથા પશુ વિમો ઉપરાંત ચાફકટર, મિલ્કીંગ મશીન, ફોગર, સહીત યુનીટ સ્થાપનામાં રૂા.2.50 લાખની સહાય આપવામાં આવી હતી. પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા જાગૃતિબેને 12 ગાયો થકી રોજનુ 250 લીટરનું દુધ ઉત્પાદન મેળવી આર્થીક સધ્ધરતા મેળવી છે. દૈનિક 250 લીટરના દુધ ઉત્પાદનથી તેમને દર માસે રૂા.1.40 લાખની આવક મેળવે છે. જેમાં અડધા ઉપરાંતની આવકનો ખર્ચ પેટે બાદ કરતા દર માસે 60 હજારથી 70 હજારનો નફો મેળવે છે.
મહીસાગરની મહિલા આદર્શ પશુપાલન વ્યવસાય થકી આર્થિક સધ્ધરતા સાથે પ્રેરણાદાયી બન્યા
મહીસાગરઃ મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. જેનુ ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં વેલણવાડા ગામની મહિલા પશુપાલક શ્રીમતી જાગૃતિબેન હસમુખભાઇ પટેલે રાજ્ય સરકારની સ્વ રોજગારની 12 દુધાળા પશુઓની ડેરી યુનિટ સ્થાપના યોજના થકી પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છે. પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે.
આ અંગે જાગૃતિબેને જણાવ્યું હતું કે પશુના છાણનો ઉપયોગ પોતાના ખેતરમાં સેંન્દ્રિય ખાતર કરી ખેત ઉત્પાદનમાં પણ વધારો મેળવે છે અને વધે તે વેંચી દે છે. જેનાથી પુરક આવક પણ મળે છે. તેઓ પશુઓની સારી રીતે માવજાત કરે છે. પશુઓને નિયમિત ખોરાક, પાણી અને રસીકરણ કરાવે છે. ઋતુ પ્રમાણે પશુઓને ખોરાક આપવામાં આવે છે. ખોળ, દાણ, જુવાર અને બાજરીને ચાફ કટરથી કટ કરીને જ પશુઓને આપવામાં આવે છે. આધુનિક દુધ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શ્રમમાં ઘટાડો કરેલ છે. પશુપાલન વિભાગની આ યોજનાનો જાગૃતિબેને તો લાભ મેળવ્યો છે જ પરંતુ તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.