મહીસાગર: કોરોના વાઇરસના સમયમાં સોશિયલ ડિસ્ટસીંગનું પાલન થાય અને તેનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર તેમજ આવા કપરાં સમયમાં યુવાનો અને રોજગાર વાંચ્છું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકોનો લાભ મળી રહે તે હેતુથી મહિસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહિસાગર જિલ્લામાં 30 ઉમેદવારોએ ઓનલાઇન ભરતી મેળામાં ઇન્ટરવ્યુ આપ્યા જેના અનુસંધાને 29 જુલાઇના રોજ ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિલાએબલ ફર્સ્ટ, અમદાવાદ દ્વારા વિરમગામ પાસે દસલાણા વિસ્તારમાં સિલાઇ મશીન ચલાવવા માટે પુરુષો અને સ્ત્રીઓ માટે વય મર્યાદા 18થી 45 તેમજ અભ્યાસ 8 પાસ, 10 પાસ ઉમેદવારો માટે અને મહિને 8,500 પગાર તેમજ મહિનો પૂરો કરેલો હશે તો રૂપિયા 800 અલગથી મળશે. તેવા ઉમેદવારોના વીડિયો કોલિંગથી રોજગાર કચેરી મહીસાગરના માધ્યમથી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ ભાઈ સેવક પણ જોડાયા અને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ રોજગાર ભરતી મેળા અંગેની વિગતો આપતા રોજગાર અધિકારી એમ. જી. પ્રજાપતિએ જણાવ્યું કે, ઓનલાઇન યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં 1 નોકરીદાતાએ કુલ 50 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની તૈયારીઓ બતાવી હતી.
આ ઓનલાઈન ભરતી મેળામાં ભાગ લેવા માટે કચેરી દ્વારા 150 ઉમેદવારોને SMS દ્વારા જાણ કરવામાં આવી હતી.
આ ઓનલાઈન ભરતી મેળા અંતર્ગત તાજેતરમાં મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યુ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમાં જિલ્લાના 30 રોજગાર વાંચ્છું ઉમેદવારો ઓનલાઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થયા હતા. જેના સંબંધિત નોકરીદાતાઓએ આ ઉમેદવારોના વીડિઓ કોલીંગ કે ટેલીફોનીક કોલ કરીને ઇન્ટરવ્યુ લીધા હતા.