મહીસાગરના વિકાસને મળ્યો વેગ મહીસાગર :ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી અને સુવિધા માટે વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે. મહીસાગરમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાલાસિનોર ખાતે 10 કરોડથી વધુના ખર્ચે નિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લુણાવાડા ખાતે એસટી વિભાગ દ્વારા સાડા ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્મિત એસટી ડેપો વર્કશોપ સહિત જનતા જોગ 25 નવી એસટી બસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
નવનિર્મિત પોલીસ આવાસ :રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી મહીસાગર જિલ્લાના પ્રવાસે છે. જે અંતર્ગત તેઓએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બાલાસિનોર ખાતે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બી કેટેગરીનાં 56 મકાનો અને ડી કેટેગરીના 2 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ રીબીન કાપી પોલીસ આવાસ ગુજરાત પોલીસ સ્ટાફ માટે ખુલ્લા મુક્યા હતા. નવનિર્મિત આવાસમાં કુલ 58 પોલીસ પરિવાર વસવાટ કરશે.આ આવાસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 2 PI અને 56 પોલીસ કોન્સ્ટેબલ અને જમાદાર સહિત અન્ય પોલીસકર્મી પરિવાર સહિત વસવાટ કરશે. આ તકે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
નવિન એસટી બસનો લીલી ઝંડી : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લુણાવાડા ખાતે પણ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ દ્વારા રૂ. 3.59 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરી 25 નવીન એસટી બસને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે રાજ્ય શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડિંડોર, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહપ્રધાનની એસટી મુસાફરી : રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોડાસા-ઝાલોદ બસમાં લુણેશ્વર ચોકડી સુધી મુસાફરી પણ કરી હતી. ત્યારબાદ લુણેશ્વર ચોકડી ખાતે સ્થાનિક દુકાન પર બેસીને ચાની મજા પણ માણી હતી. આ કાર્યક્રમ પ્રસંગે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, આજે વહેલી સવારથી મહીસાગર જિલ્લાનો પ્રવાસ કરવાનો અવસર મળ્યો છે. મહીસાગર જિલ્લામાં ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને મહાનુભાવો સાથે પોલીસ રહેણાંક મકાનોનું લોકાર્પણ કર્યું હતું. મહીસાગર જિલ્લાના નાગરિકો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ ભેટ આપી છે. જેમાં મહીસાગર જિલ્લાના નાગરિકો માટે 25 નવી બસ અને એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જનતા જોગ અપીલ : હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આજે આ નવી બસોના લોકાર્પણ સમયે અહિયાંના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું. આ નવી બસો સરકાર દ્વારા આપની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ બસ જેમાં તમે દરરોજ અવરજવર કરો છો. તમે સૌ લોકો પોતાના સપના સાકાર કરવા વહેલી સવારે નીકળો છો અને એ જ બસમાં રાત્રે પરત ફરો છો, એવી બસોમાં કચરો નાખીને ગંદકી ન કરતા. આ બધી જ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી એસટી વિભાગની સાથે આપણી પણ છે.
- કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, 8 જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
- મહીસાગર ન્યૂઝ: મહીસાગર કોંગ્રેસમાં ગાબડું, કોંગ્રેસના નેતાઓ અને 100 જેટલા કાર્યકરો ભાજપમાં ભળ્યાં