- સંતરામપુર ગર્ભપાત મામલે રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવાઇ
- હોસ્પિટલ્સ અને નાના-મોટા ક્લિનિકોનું ચેકિંગ કરાશે
- સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી હોસ્પિટલની
મહીસાગર : જિલ્લાના સંતરામપુરના શિકારી ફળિયામાં એક યુવતીનું ગર્ભપાત કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોની તપાસ કરીને પોલીસે પ્રિયલ ગાયનેક હોસ્પિટલમાં કામ કરતી મહિલાની અટકાયત કરી છે. વીડિયોમાં ખુલ્લા મકાનમાં એક મહિલા સાથે 3 સહાયક મહિલાઓ ગર્ભપાત કરતી દેખાઈ છે. આ વીડિયોની પોલીસ તપાસથી જાહેર થાય છે કે, ગર્ભપાત કરનાર મુખ્ય મહિલા સંતરામપુરની પ્રિયલ ગાયનેક હોસ્પિટલમાં અંદાજિત 15 વર્ષથી કામ કરે છે. જેથી પોલીસે મહિલાની અટકાયત કરી છે અને તેની તપાસ પણ ચાલુ છે અને આ બાબતની ગંભીર નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે.
નર્સ મહિલાની ડિગ્રીની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે
ગર્ભપાત કરનારી નર્સ મહિલાની ડિગ્રી બાબતમાં કાગળની ચકાસણી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલનો સ્ટાફ જ્યારે આ પ્રકારની ગતિવિધિમાં સામેલ થાય છે. ત્યારે એના માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંબંધિત હોસ્પિટલની જવાબદારી પણ બની રહે છે કે, પોતાને ત્યાં કામ કરતો સ્ટાફ યોગ્ય લાયકાત ધરાવે છે કે કેમ અને તે જવાબદારી અદા કરવા દરેક હોસ્પિટલે પોતાના સ્ટાફની વિગતો ચકાસી લેવી જોઇએ.
કામ કરતા તમામ સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી હોસ્પિટલની
મહીસાગર, લુણાવાડા જિલ્લા કલેક્ટર મનિષ કુમારે મહિસાગર જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલ્સ અને નાના-મોટા ક્લિનિક ચલાવતા સંચાલકો સામે લાલ આંખ કરી સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં કામ કરતો તમામ સ્ટાફ (ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, કમ્પાઉન્ડર, વોર્ડબોય, આયા, પટાવાળા, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈ કર્મચારી તથા અન્ય) મેડિકલ/પેરામેડિકલ એલાઈડ સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી જે તે હોસ્પિટલના સંચાલકની છે.
સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવુંં જરૂરી
આ બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પાસે સંસ્થા/ કોલેજ/ યુનિવર્સિટીમાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે. અન્ય સ્ટાફ બાબતમાં પણ શૈક્ષણિક લાયકાતની સાથે પોલીસ વેરિફિકેશન કરાવી લેવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.